Mysamachar.in:રાજકોટ:
સૌરાષ્ટ્રના પાટનગર ગણાતાં રાજકોટના તત્કાલીન ટાઉન પ્લાનિંગ અધિકારીએ કાળી સંપત્તિઓ એકત્ર કરવા જેતે સમયે જે ‘પ્લાનિંગ’ કરેલું તે હવે, ગેમઝોન અગ્નિકાંડને કારણે શરૂ થયેલી તપાસ દરમિયાન રેકર્ડ પર આવ્યું છે. અહીં મહત્ત્વપૂર્ણ મુદ્દો એ પણ છે કે, જો અગ્નિકાંડ થયો ન હોત તો, સા-ગઠિયા નામનો આ અધિકારી પોતાની આ સંપત્તિઓમાં હજુ વધારો કરી શક્યો હોત, અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, સ્થાનિક શાસકપક્ષના સીધા અને રાજ્ય સરકારના આડકતરા સહયોગ વગર આ બધું શક્ય બની શકે ? એ પ્રશ્ન પણ સપાટી પર આવ્યો છે. નોંધપાત્ર બાબત એ છે કે, સાગઠિયાની આટલી આકરી પૂછપરછ બાદ પણ એક પણ નેતાનું નામ તપાસમાં બહાર આવ્યું નથી, તે દરમિયાન સા-ગઠિયાનો ખજાનો જાહેર થયો છે. જાહેર થયેલાં ખજાના ઉપરાંત પણ હજુ છૂપો ખજાનો હોય શકે, એ સંભાવનાનો પણ ઈન્કાર ન થઈ શકે. જાહેર થયેલાં ખજાનાની વિગતો કોઈ પણ વ્યક્તિની આંખ પહોળી કરી શકે છે.
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને કારણે તપાસની હડફેટમાં ચડી ગયેલાં સાગઠિયા વિરુદ્ધ થોડાં સમય અગાઉ ACB એ અપ્રમાણસર સંપત્તિઓનો ગુનો દાખલ કરેલો. જેમાં એવું જાહેર થયેલું કે, તેણે પોતાની આવકના જાણીતા સ્ત્રોત ઉપરાંત રૂ. 10.55 કરોડની સંપત્તિઓ અને ખર્ચ કરેલાં છે. તેની જાણીતી આવક કરતાં આ આંકડો 410 ટકા મોટો છે, એવું એસીબી દ્વારા નોંધાયેલું છે.
આ ઉપરાંત એસીબીએ મનસુખ સાગઠિયાની સીલ કરેલી ઓફિસ ખોલી, તેમાં તપાસ કરી. આ ઓફિસમાંથી રૂ. 5 કરોડ રોકડા અને અંદાજે રૂ. એક કરોડની કિંમતનું આશરે 15 કિલોગ્રામ સોનું મળી આવ્યું છે. જાણકાર સૂત્ર કહે છે, હવે સાગઠિયાનો નાર્કો ટેસ્ટ કરી, વિગતો ઓકાવવી જોઈએ. કારણ કે, ભાનમાં હોય ત્યારે આ પ્રકારના આરોપીઓ પૂછપરછમાં સાચું બોલતાં હોતાં નથી. નાર્કો ટેસ્ટ પૂછપરછના રેકોર્ડિંગનો સંબંધિત હિસ્સો પણ લોકોની જાણ ખાતર અદાલત સમક્ષ રજૂ થવો જોઈએ એમ પણ કેટલાંક લોકોનો મત છે.
હજુ સાગઠિયાની તપાસ ચાલુ છે. હજુ તેના ઘણાં લોકરની તપાસ બાકી છે. તપાસમાં હજુ વધુ ચોંકાવનારી વિગતો બહાર આવી શકે છે. સાગઠિયાને પોલિટિકલ રક્ષણ હતું ? કોનું રક્ષણ હતું ? સાગઠિયાએ નેતાઓને અંધારામાં રાખી આ સંપત્તિઓ એકત્ર કરી છે ? તો અત્યાર સુધી સાગઠિયા વિરુદ્ધ કોઈ પણ આકરી કાર્યવાહીઓ શા માટે ન થઈ ? ટાઉન પ્લાનિંગ કચેરીમાં કાળી આવકના ક્યા ક્યા સ્ત્રોત હોય શકે ? વગેરે બાબતોની તપાસ કોઈ કરશે ? કે, સુરખીઓ બટોરી લઈ બધું સંકેલી લેવામાં આવશે ? વગેરે સેંકડો પ્રશ્નો સપાટી પર આવી ગયા છે. સાગઠિયા નામના દડાને જુદીજુદી દિશામાંથી કીક મારવામાં આવી રહી છે પરંતુ સાગઠિયાદડાને ચોક્કસ દિશામાં કીક લગાવવામાં આવશે નહીં, એ સંભાવના લોકોમાં વધુ ચર્ચાઈ રહી છે.