Mysamachar.in-ગાંધીનગર:
ગઈકાલે રાજ્યના શિક્ષણમંત્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે FRC સંબંધે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, ખાનગી શાળાઓ પૈકી જે શાળાઓ ફી મામલે એફિડેવિટ રજૂ કરશે તે તમામ વિગતો હવે ઓનલાઈન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ખરેખર તો આ નિર્ણય ડિસેમ્બર-2024માં જ થઈ ગયો હતો પરંતુ આજની તારીખે આ નિયમનો અમલ શિક્ષણ વિભાગ દ્વારા કરાવવામાં આવતો નથી. હવે ફરીથી આ વાત તાજી કરવામાં આવી છે અને જાહેર કરવામાં આવ્યું છે કે, આગામી ઓગસ્ટ માસથી આ અમલ શરૂ કરવાનો રહેશે.
અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, FRC દ્વારા ફી ના જે સ્લેબ જાહેર કરવામાં આવેલા છે તેના કરતાં વધુ ફી જે ખાનગી શાળાઓ વસૂલતી નથી, તે શાળાઓએ FRC સમક્ષ આ સંબંધે સોગંદનામું કરવાનું હોય છે. અને, જે શાળાઓ ફી વધારો ચાહતી હોય તે શાળાઓએ આ માટે FRC સમક્ષ ફી વધારા માટે પોતાના આવક ખર્ચના હિસાબો રજૂ કરી, ફી શા માટે વધારવી છે- તે અંગેની દરખાસ્ત રજૂ કરવાની હોય છે. જો કે આ દરખાસ્ત ઓફલાઈન જ રહેશે. તેનો અર્થ એમ થઈ શકે કે, FRC પોર્ટલ પર જે ખાનગી શાળાઓના નામો ઓનલાઈન જાહેર નહીં થયા હોય તે ખાનગી શાળાઓ જેતે શૈક્ષણિક વર્ષ માટે ફી વધારો ચાહે છે- એમ વાલીઓએ સમજી લેવાનું રહેશે. એમ માનવામાં આવે છે કે, હાલ રાજ્યની 11,000 જેટલી ખાનગી શાળાઓ FRCના સ્લેબ અનુસારની જ ફી વસૂલે છે. આ બધી શાળાઓએ આગામી ઓગસ્ટથી પોતાના એફિડેવિટ ઓનલાઈન પ્લેટફોર્મ પર મૂકવાના રહેશે.