Mysamachar.in-જામનગર:
ગુજરાત સરકારનું VAT તંત્ર રાજયભરમાં વેઠતંત્ર તરીકે જાણીતું છે. જામનગરમાં આ તંત્રએ 16 વર્ષથી ચાલ્યા આવતાં એક મામલામાં આખરે જામનગરની ઓટોમોબાઈલ પેઢી યમુના મોટર્સ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ દાખલ કરતાં વેપારી વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઈ છે. મામલો રૂ. એક કરોડ કરતાં વધુની રકમનો હોવાનું જાહેર થયું. અને, આરોપીઓ દ્વારકા તથા સૂરજકરાડીના છે.
જામનગરના પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાપાસ્થિત ઓટોમોબાઈલ પેઢી યમુના મોટર્સના સંચાલકો અને ભાગીદારો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ સરકાર દ્વારા એટલે કે VAT વિભાગ દ્વારા દાખલ થઈ છે. સરકારના આ વિભાગમાં નોકરી કરતાં અને રાજકોટમાં રહેતાં દિવ્યેશ રાણીપાએ આ ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, આ પેઢીએ સરકારમાં વર્ષ 2008-09 નો વેરો ભર્યો નથી. વેરો તથા તેનું વ્યાજ મળી અત્યાર સુધી આ પેઢી પાસે સરકારે રૂ. 1,06,40,751 લેવાના થાય છે. પેઢીએ સરકારને નાણાં ચૂકવ્યા નથી, છેતરપિંડી કરી છે.
આ ફરિયાદમાં આરોપીઓ તરીકે કુલ 8 નામો છે જે પૈકી પ્રથમ 6 દ્વારકાના અને બાકીના સૂરજકરાડીના છે. આરોપીઓના નામો: પ્રાણજીવન પરમાણંદ ગોકાણી, સવિતાબેન પ્રાણજીવન, રાહુલ/તેજલ પ્રાણજીવન, પ્રિયાંશુ સંજય અને સંજય પ્રાણજીવન ગોકાણી (રહે. બધાં ‘યમુના’, બાલવાટિકા સામે, હોસ્પિટલ રોડ, દ્વારકા) ઉપરાંત સૂરજકરાડીના યોગેશકુમાર ભગવાનજી વિઠલાણી અને પુષ્પાબેન યોગેશકુમાર વિઠલાણી (ગાયત્રી કૃપા, હનુમાન મંદિર રોડ).