Mysamachar.in-અમદાવાદ
છેલ્લા કેટલાય સમયથી રાજ્યભરમાં PAYTM KYC કરવાના બહાને કેટલાય લોકો પાસેથી છેતરપીંડીના કેટલાય કિસ્સાઓ રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં સાયબર ક્રાઈમમાં નોંધાયા હતા, ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આવા ગુન્હાઓનો ભેદ ઉકેલવામાં એક મોટી સફળતા મળી છે, ઓનલાઇન PAYTM એપ્લિકેશનમાં KYC અપડેટ કરવાના બહાને છેતરપિંડી કરનારા 2 આરોપીઓની અમદાવાદ ક્રાઈમબ્રાંચે ધરપકડ કરી છે, આરોપી સોહિલ સોકતખાન પઠાણ ઓફિસમાં બેસી દેશના 8 રાજ્યોના 25 લાખથી વધુ લોકોને KYC અપડેટના મેસેજ કરી પોતાના જાળમાં ફસાવ્યા હોવાનો પર્દાફાશ થઇ ચુક્યો છે,
2 વર્ષમાં પરપ્રાંતિય છેતરપીંડી કરતી ગેંગ સાથે મળીને લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો ખુલાસો થયો છે. હાલ આ મામલે સાયબર ક્રાઇમેં ઊંડાણપૂર્વકની તપાસ શરુ કરી છે, સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીને આધારે ટેક્નિકલ વર્ક કરી આરોપી સોહિલખાન અને મોહસીન ખાનની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, રખિયાલમાં એક ઓફિસ રાખી ગેટવેની મદદથી હોરિઝોન નામની એપથી ગુજરાત, હરિયાણા મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઝારખંડ, પંજાબ, દિલ્હી, બિહાર અને બંગાળના લોકોને મેસેજ કરતો હતો. આરોપીનું કામ પૂરું થઈ જતા અલગ-અલગ રાજ્યોના અન્ય આરોપીઓ ભોગ બનનારને ટીમ વ્યૂઅર ડાઉનલોડ કરાવી તેમના ખાતાની માહિતી જાણી રૂપિયાની છેતરપિંડી કરતા હતા.
આરોપીઓ ગુજરાતમાં જ 1 કરોડથી વધુની છેતરપિંડી કરી ચૂક્યા છે. આ ઉપરાંત સાથે 25 લાખ લોકોને મેસેજ પણ મોકલી ચૂક્યા છે. આરોપીઓ અલગ-અલગ રાજ્યમાં 200થી વધારે ગુના આચર્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસને આરોપી પાસેથી 8 બેંક એકાઉન્ટ, 58 લાખ રોકડ રૂપિયા, છેતરપિંડીના રૂપિયાથી લીધેલી કાર, બાઈક અને દુકાન સહિત અન્ય મુદ્દામાલ મળી આવ્યા છે. આરોપીને એક મેસેજના 2 રૂપિયા મળતાં હોવાનું સામે આવ્યું છે.આમ આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ તો થયો છે પણ હવે જે લોકો સાથે છેતરપીંડી થઇ છે તેને તેના નાણા પરત મળશે તેવી આશ પણ જાગી છે.