Mysamachar.in-રાજકોટ:
તોડતાડ કરવામાં ભેજાબાજ શખ્સો અવનવા કીમિયા અજમાવીને લોકોને શીશામાં ઉતારીને લાખોની છેતરપીંડી આચરી હોવાના અગાઉ અનેક બનાવો સામે આવતા ફરિયાદ નોંધાઈ છે,ત્યારે પોલીસને પડકાર ફેંકતો અને નાકે દમ લાવી દેતો પહેલા GEBના અધિકારીના નામે છેતરપીંડી આચર્યા બાદ મહાનગરપાલિકાના અધિકારીના નામે તોડતાડ કરતાં એક ચીટર શખ્સને ઝડપી લેવામાં રાજકોટ પોલીસને સફળતા મળી છે,
રાજકોટ સહિત મોટા ભાગના શહેરમાં બાંધકામ અંગેના પ્લાન,નકશા,મંજૂરી મામલે પોશ વિસ્તારમાં જઈને હું મહાનગરપાલિકામાંથી આવું છું.મારુ નામ પટેલ સાહેબ તેમ કહીને મકાન માલીકને પોતાની વાતમાં લઈને દબાવીને મોટી રકમનો તોડ કરતો ભાવનગરના કિશોર રમેશભાઈ રાઠોડ નામના ચીટર શખ્સ ઝડપાતા રાજકોટ પોલીસે રાહતનો દમ લીધો છે,
અમદાવાદ, સુરત, વડોદરા, વેરાવળ સહિતના શહેરમાં છેતરપીંડીના ગુન્હા આચર્યા બાદ ભાવનગરના કિશોર રાઠોડ નામનો આ શખ્સ રાજકોટ પર પોતાની નજર દોડાવીને કોર્પોરેશનના અધિકારી પટેલ સાહેબના નામે રાજકોટમાંજ ૨૫ જેટલા આસામીઓને પોતાના શિકારનો ભોગ બનાવીને અંદાજે અડધા કરોડની છેતરપીંડી આચરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે,
રાજકોટમાં કોર્પોરેશનના અધિકારીના નામે છેલ્લા ઘણા સમયથી તોડતાડ કરતો ભેજાબાજ શખ્સને પોલીસ શોધી રહી હતી અને પોલીસે બાતમીદારો, નવા બાંધકામ બનાવતા આસામીઓની મદદથી અંતે CCTV કેમેરાના આધારે ચીટર કિશોર રાઠોડને રાજકોટ હાઇવે પ્રોજેકટ પાસેથી દબોચી લેવામાં આવતા અનેક રાઝ ખૂલ્યા છે,
અત્રે ઉલ્લેખનીય છે કે,ભાવનગરનો આ ઠગ શખ્સ અગાઉ GEBના શાહ સાહેબ બનીને લોકોના ઘર, ઓફિસ, બિલ્ડીંગમાં જઈને મીટર ચેક કરવાના નામે તોડતાડ કરતો હોવાનું બહાર આવતા ભાવનગરથી ઝડપાઇ ગયો હતો અને ભાવનગર બાદ પોતાની નજર અન્ય શહેરોમાં દોડાવીને અધિકારી બનીને નીતનવા કીમિયા અજમાવીને લોકોને બુચ મારવાનું ચાલુ રાખ્યું હતું,
હાલ તો રાજકોટ પોલીસે ચીટર કિશોર રાઠોડ પાસેથી ૪૨ હજાર રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે, ૨૫ થી વધુ ઠગાઇ કર્યાનું ખૂલ્યું છે.ત્યારે આ શખ્સને કેટલા ચીટરના ગુન્હા કર્યા છે,તે પણ યાદ રહ્યું નથી,ત્યારે રાજકોટ ઉપરાંત અન્ય શહેરોમાં ઠગાઇના ગુન્હા સામે આવે તેના માટે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.