Mysamachar.in-અમદાવાદ
સાઈબર ક્રાઈમ થકી લોકોને ઠગવાના અને તેના ખાતા સાફ કરી નાખવાના કિસ્સાઓ તો સામે આવતા હોય છે, ત્યારે અમદાવાદમાં શેરબજારમાં રોકાણ કરાવીને તગડો નફો કરાવી આપવાની લાલચ આપી રૂપિયા પડાવતી ગેંગની અમદાવાદ સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. આરોપીઓએ ફરિયાદીનું ડિમેટ એકાઉન્ટ ખોલાવી લાખ્ખો રૂપિયાનું રોકાણ કરાવીને રૂપિયા પડાવી લીધાનું સામે આવ્યું છે, શાલિની ઠાકર નામની મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે આરોપીઓએ અલગ અલગ મોબાઈલ પરથી તેમને ફોન કરીને પોતાની બ્રોકીંગ ફર્મ પ્રોમોટ બ્રોકિંગ લિમિટેડમાં શેરબજારમાં રોકાણ કરવાથી સારો નફો થશે તેવી લોભામણી લાલચ આપી હતી.
આરોપીઓએ તેમની ફર્મમાં ફરિયાદીનું ડિમેટ એકાઉન્ટ ખોલાવવા માટે વોટસએપ પર ડોક્યુમેન્ટ મંગાવ્યા હતા. અને અલગ-અલગ શેરમાં કુલ 19 લાખ 81 હજારનું રોકાણ કરાવ્યું હતું. જો કે આટલું રોકાણ કર્યા બાદ બદલામાં તેમને કોઈ શેરનું બિલ કે નફો આપ્યો નહોતો. જ્યારે પી એન્ડ એલ ઇ-મેઇલથી મોકલી ફરિયાદીનાં રૂપિયા ઉપાડી લીધા હતા. જો કે બાદમાં કોઈ વળતરના આપતા અંતે ફરિયાદીએ સાયબર ક્રાઇમનો સંપર્ક કર્યો હતો. સાયબર ક્રાઇમ દ્વારા તપાસ કરતા આરોપીઓ મધ્ય પ્રદેશમાં હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે સત્ય નારાયણ યાદવ, આશિષ યાદવ અને રશ્મિ સોની નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.