Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુરના એક યુવાનને લગ્ન કરાવી આપવાની લાલચ બતાવી અમદાવાદના એક મહિલાએ પોતાની અગાઉથી જ પરિણીત રહેલી પુત્રીના લગ્ન તે યુવાન સાથે કરાવી દીધાની પોલીસમાં ફરિયાદ થઈ છે. તે મહિલા સહિત ત્રણેએ લગ્ન સામે રૃા. બે લાખ રોકડા સહિતનો સામાન મેળવી લીધો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કલ્યાણપુર ગામમાં રહેતા અને તાલુકા પંચાયત કચેરી પાસે નાસ્તાની દુકાન ચલાવતા વિશાલભાઈ રમેશચંદ્ર સચદેવ નામના 36 યુવાનને લગ્ન કરાવી આપવાનો ભરોસો અપાવી અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલા અરબુદા નગરવાળા ધનુબેન માધવલાલ તિવારી તથા અનિલ તિવારીએ રાજકોટના કુવાડવાના હંસાબેનને સાથે રાખે કારસો રચ્યો હતો.
હંસાબેન સાથે મળી ધનુબેને પોતાની પુત્રી ભાગ્યવતીના લગ્ન વિશાલ સાથે કરાવી આપવાનું નક્કી કર્યું હતું. પોતાની પુત્રીના અગાઉ લગ્ન થઈ ચુક્યા છે તે બાબત છૂપાવી ધનુબેન, હંસાબેન તથા અનિલ તિવારીએ વિશાલને વાતોમાં ઉતારી લીધો હતો આમ ઉપરોકત ત્રણેય વ્યક્તિઓએ લગ્નનું નાટક રચી વિશાલ પાસેથી રૃા. બે લાખ રોકડા ઉપરાંત પૂજાપો અને ઘરેણાં વગેરે પડાવી લઈ ગયા જાન્યુઆરી મહિનામાં ભાગ્યવતીને વિશાલ સાથે પરણાવી દીધી હતી તે પછી પોતાની પત્ની બનીને આવેલી યુવતિના લગ્ન અગાઉ થઈ ચૂક્યા છે તે બાબત વિશાલ સમક્ષ આવતા તેણે આ તમામ વિરુદ્ધ કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપીંડી સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.