Mysamachar.in-જૂનાગઢઃ
જૂનાગઢના મેંદરડા પાસે આવેલી કેનાલમાં એક કાર ખાબકી હતી, જેમાં ચાર આશાસ્પદ યુવકોના મૃતદેહ મળતા આસપાસના ગામજનો તથા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. બાદમાં તપાસ કરતાં જાણવા મળ્યું કે આ ચારેય યુવાનો મૂળ ગોધરાના કાંકણપુર ગામના પાટીદાર પરિવારના સંતાનો છે. ચારેય પટેલ યુવાનો ઇકો કાર લઇને સૌરાષ્ટ્રના પ્રવાસે નીકળ્યા હતા. ત્યારબાદ બે દિવસથી ગુમ થયા હોવાથી પરિવાર શોધખોળ હાથ ધરી હતી, જ્યારે જૂનાગઢ પાસેથી કેનાલમાંથી તમામના મૃતદેહ મળતા પરિવારમાં આક્રંદ છવાયો છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે ગોધરાના રામપુરા કાંકરણપુર ગામના પટેલ પરિવારના પીનાકીન પટેલ, મૌલીન પટેલ, મોહતિ પટેલ અને જીગર પટેલ નામના ચાર યુવકો ઘરેથી કાર જીજે-17-બીએચ-6029 લઇ 7 ડિસેમ્બરે સૌરાષ્ટ્રના પ્રવાસે જવાનું કહીને નીકળ્યા હતા, ત્યારબાદ ગોંડલના વિરપુર પહોંચ્યા ત્યાં સુધી ચારેય પરિવારના સંપર્કમાં હતા, પરંતુ વિરપુર બાદ તમામ સાથે અચાનક સંપર્ક તૂટી ગયો. પરિવાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવ્યા છતા સંપર્ક થયો નહીં, ચિંતામાં ગરકાવ થયેલા પરિવારજનોએ સોશિયલ મીડિયામાં ચારેયની તસ્વીરો વાયરલ કરી શોધખોળ હાથ ધરી હતી. તથા ગુમ થયાની કાંકણપુર પોલીસ મથકે જાણ પણ કરી હતી. ત્યારબાદ જૂનાગઢ પોલીસને જાણવા મળ્યું કે મેંદરડાનાં ખડપીપળી અને નવાગામ વચ્ચે પુલ નીચે કેનાલમાં અજાણી કાર ખાબકી છે તો પોલીસ કાફલો દોડી તપાસ હાથ ધરી હતી, જેમાં સૌપ્રથમ બે યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે કલાકોની જહેમત બાદ અન્ય બે યુવકોના મૃતદેહ પણ મળી આવ્યા હતા.