Mysamachar.in-અમદાવાદઃ
થર્ટી ફર્સ્ટમાં દારૂની રેલમછેલ કરવા માટે બૂટલેગરો બેફામ બન્યા છે. પોલીસના સઘન ચેકિંગને કારણે બૂટલેગરો વધુ સજાગ બન્યા છે. અમદાવાદમાં થર્ટી ફર્સ્ટ માટે મગાવવામાં આવેલો દારૂ પોલીસના હાથે ચડી ગયો છે. આ દારૂની હેરાફેરી કરતાં ચાર આરોપીઓની એક લાખના દારૂ સાથે ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ પોલીસથી બચવા માટે કારમાં એક એવું ગુપ્ત ખાનું બનાવ્યું હતું કે થોડીવાર પોલીસ ટીમ પણ ચોંકી ગઇ હતી. આરોપીઓએ જુના મોડેલની બોલેરો ગાડીમાં ટોપ રૂફ અને સીટોની નીચે દારૂ સંતાડવા માટેના ગુપ્ત ખાના બનાવ્યા હતા. આરોપી રાજસ્થાનથી દારુ લાવી શહેરના વિસાલા વિસ્તારમાં મુન્ના નામના યુવકને પહોંચાડવાનો હતો. પરંતુ તે પહેલા રામોલ પોલીસે બાતમીના આધારે 1 લાખની કિમંતનો દારુ કબ્જે કરી 4 આરોપીની ધરપકડ કરી છે. ઝડપાયેલો આરોપી અમૃત દરંગા રાજસ્થાનનો રહેવાસી છે. જે દારુનો જથ્થો અમદાવાદ લાવ્યો હતો, ઉપરાંત પોલીસે આફતાબ શેખ, આરીફ પઠાણ અને મોહમદ શેખની ધરપકડ કરી છે. દારુ મંગાવનાર શખ્સ કોણ છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.