Mysamachar.in-સુરતઃ
મહેનત વગર ઝડપથી ધનવાન બની જવાની લાલચે ચાર શખ્સોએ ડુપ્લિકેટ નોટનો ધંધો શરૂ કર્યો, જો કે તેઓ ઠગાઇ કરે તે પહેલા જ પોલીસની ઝપટે ચડી ગયા. સુરતના પુણા ગામ વિસ્તારમાં પોલીસે દરોડા પાડ્યા હતા, આ દરમિયાન ચાર શખ્સો પાસેથી બે કરોડની ડુપ્લિકેટ નોટ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. બાદમાં તપાસમાં સામે આવ્યું કે આ ઠગ ટોળકી નોટોના બંડલના ઉપરના ભાગે અસલી નોટ રાખતા અને બંડલની નીચે ચિલ્ડ્રન બેંકની નોટો મૂકી દેતા. પ્રથમ નજરે નોટોનું મોટું બંડલ દેખાય પરંતુ જ્યારે અંદરથી ચેક કરવામાં આવે તો હકીકત જુદી જ નીકળે. ધરપકડ પહેલા ચારેય આરોપીઓ મુંબઇથી આવી રહ્યાં હતા. ચારેય પાસેથી પોલીસે બે કરોડની નકલી અને 38 હજારની અસલી નોટ જપ્ત કરી છે. પુણામાં નકલી નોટની ઘટના જેવી જ ઘટના સચિન વિસ્તારમાં શિવરંજની એપાર્ટમેન્ટમાં સામે આવી હતી, જેમાં પોલીસે 85 લાખ 22 હજારની નકલી નોટ સહિત 90 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ફરાર હોવાનું જણાવ્યું હતું. આમ શહેરમાં બે જગ્યાએ નકલી નોટના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો હતો. તો બીજી બાજુ તહેવારને કારણે બજારમાં ખરીદી-વેચાણથી કરોડો રૂપિયાનો વહિવટ થશે, જેનો લેભાગુ તત્વો ફાયદો ઉઠાવી શકે છે આથી સાવધાની પૂર્વક લેણદેણ કરવી.