Mysamachar.in:ગાંધીનગર
રાજયની શાળાઓમાં ધોરણ 9 અને ધોરણ 10 માટે કરાર આધારિત શિક્ષકો એટલે કે જ્ઞાનસહાયકોની ભરતીઓ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સમગ્ર રાજયમાં 19,050 ઉમેદવારોએ આ ફોર્મ ભર્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, શાળાઓમાં જ્ઞાનસહાયકોની ભરતી ન કરવામાં આવે અને કાયમી શિક્ષકોની ભરતીઓ કરવામાં આવે એવી માંગ સાથે રાજયમાં આંદોલન પણ ચાલી રહ્યું છે. આમ તો માધ્યમિક અને પ્રાથમિક બંને વિભાગો માટે ફોર્મ ભરવાની મુદ્દત આજે પૂર્ણ થઈ છે. પરંતુ સરકારે પ્રાથમિક વિભાગમાં જ્ઞાનસહાયક બનવા ઇચ્છતા ઉમેદવારો પાસેથી ફોર્મ સ્વીકારવાની મુદ્દત પાંચ દિવસ માટે લંબાવી છે. આ વિભાગમાં અત્યાર સુધીમાં 18,598 ફોર્મ આવ્યા છે.
શિક્ષણ વિભાગે એવો દાવો કર્યો છે કે, ધોરણ 9 અને 10 માટેની લાયકાત ધરાવનારા ઉમેદવારો પૈકી 98 ટકા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જ્યારે પ્રાથમિક વિભાગમાં કુલ ઉમેદવારો પૈકી 89.56 ટકા ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે. તેનો એક અર્થ એ પણ થઈ શકે કે, કાયમી શિક્ષકોની માંગ માટે ચાલતાં આંદોલનનો ખાસ કોઈ અર્થ નથી. રાજયના શિક્ષણ વિભાગે પ્રવાસી શિક્ષકોની યોજના રદ્દ કરી, જ્ઞાનસહાયક યોજના શરૂ કરી છે જેમાં શિક્ષકોને લગભગ બમણો પગાર મળશે. જ્ઞાનસહાયક માટે પ્રાથમિકમાં નવી લેવાયેલી ટેટ અને માધ્યમિકમાં તથા ઉચ્ચતર માધ્યમિકમાં લેવાતી દ્વિસ્તરીય પરીક્ષાઓ પાસ કરનારને જ યોગ્ય ઠરાવવાની જોગવાઇ કરવામાં આવી છે.