Mysamachar.in-અમદાવાદઃ
રાજ્યમાં આંદોલનો બંધ થવાનું નામ લેતા નથી, LRD, બિનસચિવાલય, સરકારી કર્મચારીઓનાં આંદોલન બાદ હવે ગુજરાતનાં માજી સૈનિકોએ આંદોલનનું મંડાણ કર્યું છે. અમદાવાદમાં શહીદ સ્મારક ખાતે માજી સૈનિકોએ 15 જેટલી માગણીઓને લઇને મહાઆંદોલન શરૂ કર્યું છે, હજારોની સંખ્યામાં માજી સૈનિકો રેલી કાઢી અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ શહીદ સ્મારક સુધી પહોંચ્યા હતા. આ રેલીમાં માજી સૈનિકોનાં પરિવારજનો પણ જોડાયા હતા. આંદોલન કરી રહેલા માજી સૈનિકો દ્નારા શહીદ જવાનનાં પરિવારને એક કરોડ રૂપિયાની સહાય, માજી સૈનિકને ખેતી માટે જમીન અને પ્લોટ આપવા તથા કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ કરવા સહિતની માગણી કરવામાં આવી છે. સાથે સાથે માજી સૈનિકોએ ચિમકી પણ ઉચ્ચારી છે કે જો માગ નહીં સ્વીકારાય તો ગાંધીનગર તરફ કૂચ કરવામાં આવશે. બે દિવસથી ધરણા પર ઉતરેલા માજી સૈનિકો આ વખતે લડી લેવાના મૂડમાં દેખાઇ રહ્યાં છે, જેના કારણે આગામી દિવસોમાં જો કોઇ ઉકેલ ન આવ્યો તો રૂપાણી સરકારની સમસ્યામાં વધારો થઇ શકે છે.