My samachar.in:-જામનગર
જામનગર જીલ્લાના પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલે કેન્દ્રીય રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીને સંબોધીને એક પત્ર લખ્યો છે જે પત્રમાં જણાવ્યું છે કે જામનગર થી જૂનાગઢ સુધીનો નેશનલ હાઈ-વે વર્ષ 2017 માં મંજૂર કરવામાં આવેલ પરંતુ આજ સુધીમાં આ રોડનું કામ શરૂ થયેલ નથી. કાલાવડ ધોરાજી સુધીનું કામ ટુંક સમયમાં શરૂ થવાનું છે તેવું જાણવા મળેલ છે પરંતુ જામનગરથી કાલાવડ સુધીના રોડની માત્ર જાહેરાત જ થયેલ છે. જેમાં હજુ રોડનું એલાઈન્મેન્ટ જ થયેલ છે જમીન સંપાદનનું કામ પણ બાકી છે. આ જોતાં હજુ 2 વર્ષ જેટલો સમય લાગે તેમ છે અને રોડ સાંકડો હોવાના કારણે રોડ પર અનેક વખત અકસ્માતો સર્જાયા છે.જેમાં અનેક માણસોના મૃત્યુ થયેલા છે..
જામનગર કાલાવડ રોડ પર વધારે ટ્રાફીક હોવાનું કારણ જામનગર – રાજકોટ વાયા ધ્રોલ નેશનલ હાઈ-વે માં વચ્ચે બે ટોલનાકા છે જેના કારણે ટોલ બચાવવા ભારે વાહનો કાલાવડ તરફથી ચલાવવામાં આવે છે તેથી કરીને સત્વરે આ રોડનું કામ નેશનલ હાઈવે જરૂરી કાર્યવાહી કરી વહેલાસર શરૂ થાય તો જામનગરથી જૂનાગઢ અને જામનગરથી રાજકોટ વાયા કાલાવડ પર ના ટ્રાફીક ને ખુબ જ ફાયદો થાય તેમ છે. જેથી સત્વરે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલ દ્વારા કરવામાં આવી છે.