Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા
રાજ્યના હવામાન વિભાગે એક નવી આગાહીમાં જણાવ્યું છે કે, આજે 27મી મે ના દિવસે સૌરાષ્ટ્રમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓ સહિત વિવિધ પંથકમાં વરસાદની સંભાવનાઓ રહેલી છે. આ ઉપરાંત હવામાન વિભાગે આગામી દિવસોના સંભવિત વાતાવરણ અંગે પણ કહ્યું છે અને જામનગર તથા દ્વારકા સહિતના સૌરાષ્ટ્રના જિલ્લાઓ માટે વરસાદનું યલો એલર્ટ પણ જાહેર કર્યું છે.

રાજ્યના હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી 1 જૂન સુધી રાજ્યના કોઈપણ વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ નોંધાઈ શકે છે. આજે 27મી મે ના દિવસે પણ રાજયના થોડા અથવા ઘણાં વિસ્તારોમાં ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. જો કે આ ડેવલપમેન્ટ બહુ પ્રબળ નથી. આ સાથે રાજયના અમુક ભાગોમાં 40-50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સાથે જ એમ પણ કહેવાયું છે કે, આવતીકાલે 28 મે તથા 29 મે ના રોજ ભારે વરસાદ આવી શકે છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, ગત્ મોડીરાત્રે પણ રાજ્યના તાપી, વલસાડ સહિતના કેટલાંક પંથકોમાં વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત આજે મંગળવારે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના લગભગ તમામ જિલ્લાઓ માટે હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં હાલારના બંને જિલ્લાઓ જામનગર અને દ્વારકાનો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાં સામાન્ય રીતે દર વર્ષે 15 જૂન આસપાસ સત્તાવાર ચોમાસાની જાહેરાત થઈ જતી હોય છે, આ વખતે સત્તાવાર ચોમાસુ ક્યારે શરૂ થશે તેની હાલ આગાહી કરવામાં આવી નથી. એમ પણ બની શકે કે, રાજ્યમાં સત્તાવાર ચોમાસુ આ વર્ષે વહેલું પણ જાહેર થઈ શકે કેમ કે, મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં આ વખતે વહેલો વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને મે મહિનામાં આટલા વરસાદનો 107 વર્ષનો રેકોર્ડ મહારાષ્ટ્રમાં તૂટી ગયો છે. હાલમાં મળી રહેલાં અહેવાલ અનુસાર, સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે અને જામનગર સહિત હાલારના વાતાવરણમાં પણ ચોક્કસ પ્રકારનો પલટો અનુભવાઈ રહ્યો છે.(file image)
