Mysamachar.in:જામનગર
જામનગરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિના ચીથરે હાલ છે, કોઈને પોલીસનો ડર રહ્યો નથી તેવી સ્થિતિ વચ્ચે છાશવારે જાહેરમાં હુમલાઓ અને હત્યાની ઘટના પોલીસતંત્રની નિષ્ક્રિય કામગીરી સામે સવાલો ઉઠાવે છે. પોલીસ માત્ર ફરિયાદ નોંધી અને સંતોષ માને છે જે પુરતું નથી, ગુન્હેગારોને પોલીસનું અસલી સ્વરૂપ બતાવવાની જરૂર હોય તેમ છેલ્લા કેટલાક સમયની જામનગરની સ્થિતિ જોતા લાગે છે. આવો જ એક બનાવ ગત મોડી રાત્રીના જામનગરના જુના અનુપમ સિનેમા નજીક બન્યો જ્યાં રેસ્ટોરન્ટ ચાલવતા બે ભાઈઓ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો જેમાં એકની હાલત ગંભીર છે, જે કિસ્સામાં સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ પાંચ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે જેની હકીકતો એવી છે કે,
જામનગરના સત્યમ કોલોની નજીક ઓશવાળ-2, શ્રીજી હોલ પાસે રહેતા દર્શન રાયશીભાઇ જોગલએ સીટી-બી ડીવીઝન પોલીસ મથકમાં જામનગરના વિરલ ઉર્ફે પાવલી પુંજાણી, જયદીપસિંહ ઝાલા, હાર્દિકસિંહ ઉર્ફે હદુ ઝાલા, નિકુંજસિંહ જાડેજા અને જયદીપસિંહ જાડેજા આ પાંચેય સામે ફરીયાદ નોંધાવી છે. જેમાં દર્શનના મોટાભાઇ જીજ્ઞેશ ઉર્ફે લાલાભાઇ તથા આરોપી વિરલ ઉર્ફે પાવલી વચ્ચે પૈસાની લેતીદેતી થયેલ હોય જેના કારણે તા.7ની રાત્રીના લાલાભાઇ સાથે આરોપીએ બોલાચાલી કરી, અપશબ્દો બોલી ઝઘડો કરતો હતો આથી ઝઘડો કર્યા વીના વાતચીત કરવા જણાવતા આરોપી વધુ ઉશ્કેરાયો હતો.
દરમ્યાનમાં પાવલી સાથે અન્ય આરોપીઓ મોટરસાયકલમાં છરી, ધારીયા જેવા પ્રાણઘાતક હથીયારો ધારણ કરીને આવ્યા હતા અને બંને ભાઇઓને જાનથી મારી નાખવાના ઇરાદે હથીયારો વડે હુમલો કર્યો હતો. જેમાં લાલાભાઇને સાથળના ભાગે છરીનો ઘા મારી જીવલેણ ઇજા કરી હતી, દર્શનને સાથળ અને હાથના ભાગે છરી ઝીંકી દીધી હતી અને કાંડામાં ફ્રેકચર કર્યુ હતું. બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.