Mysamachar.in-અમદાવાદ:
ભારત સરકારની છેલ્લા કેટલાંક વર્ષોથી નીતિ એ રહી છે કે, સામાન્ય કરદાતાઓ અને વ્યવસાયિક કરદાતાઓ પાસેથી જે ટેક્સ વસૂલવાપાત્ર હોય અને વિવિધ કારણોસર આવા ટેક્સની વસૂલાત થઈ શકતી ન હોય અથવા જે કરદાતાઓ કરજાળથી બચી શકવામાં સફળ રહેતાં હોય એમને પણ કરજાળમાં આવરી, વસૂલવાપાત્ર ટેક્સ વસૂલ કરી સરકારની આવકમાં વધારો કરવો અને પ્રવર્તમાન કરમાળખાને વધુ અસરકારક બનાવવું. આ દિશામાં કેન્દ્ર સરકારના આવકવેરા વિભાગે પ્રથમ વખત એક મોટું પગલું લીધું છે, જેની જામનગર સહિત દેશભરમાં અસરો પડશે. મામલો કેપિટલ ગેઈન ટેક્સનો છે.
બિલ્ડર્સ સાથે સંયુકત ડેવલપમેન્ટ ડીલ કરનારા જમીનમાલિકો સામે કેપિટલ ગેઈન ટેક્સ મામલે આવકવેરા વિભાગ દ્વારા, અત્યાર સુધીના ઈતિહાસમાં પ્રથમ વખત, તપાસ હાથ ધરવામાં આવી છે. આવકવેરા વિભાગની ઈન્વેસ્ટીગેશન ટીમને સરકારના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ દ્વારા આ તપાસ કરવા કહેવાયું છે. આ તપાસ અંતર્ગત, એવી સમજૂતીઓની તપાસ કરવામાં આવી રહી છે જેમાં વ્યક્તિગત રીતે અને હિન્દુ અવિભાજિત કુટુંબો (HUF) દ્વારા બિલ્ડર્સ સાથે જમીન ડેવલપરે જમીન ડેવલપ કરવા ડીલ કરી હોય એટલે કે જોઈન્ટ વેન્ચર એગ્રીમેન્ટ બનાવ્યા હોય, અને તેમના દ્વારા બિલ્ડીંગ માટે કમ્પ્લીશન સર્ટિફિકેટ કે વપરાશ પ્રમાણપત્ર(બીયુ પરમિશન)પ્રાપ્ત કર્યા બાદ પણ કેપિટલ ગેઈન ટેક્સની ચૂકવણી કરવામાં આવી ન હોય.
આ પ્રકારના સર્ટિફિકેટ સ્થાનિક સ્તરે મહાનગરપાલિકાઓ અને પાલિકાઓ દ્વારા બાંધકામ પૂર્ણ થઈ ગયા બાદ આપવામાં આવતાં હોય છે. CBDT એ ઈન્કમટેક્સ વિભાગની તપાસ પાંખના ઉચ્ચ અધિકારીઓને સૂચનાઓ આપી છે કે, વર્ષ 2020-21 થી વર્ષ 2022-23 સુધીના સમયગાળા માટે, મહાનગરપાલિકાઓ અને પાલિકાઓ દ્વારા આ પ્રકારના જે સર્ટિફિકેટ ઈસ્યુ કરવામાં આવ્યા હોય, તેનો સંપૂર્ણ ડેટા એકત્ર કરવામાં આવે.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં આ રીતે પ્રથમ વખત ઈન્કમટેક્સ વિભાગની સત્તાવાર એન્ટ્રી દેશભરમાં શરૂ થઈ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ અગાઉ CBDT દ્વારા આ પ્રકારના કરદાતાઓને ચૂકવવાપાત્ર કર અંગે વારંવાર નોટિસ પણ આપવામાં આવેલી. પરંતુ આમ છતાં ઘણાં કરદાતાઓએ આ કર સરકારમાં જમા કરાવેલ નથી, તેથી હવે આવકવેરા વિભાગ મહાનગરપાલિકાઓ અને પાલિકાઓ મારફતે આ તમામ કરદાતાઓ સુધી પહોંચી જશે અને કર વસુલાત કરશે.
અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, બિલ્ડર્સ સાથે સંયુકત ડેવલપમેન્ટ સમજૂતી કરનાર જમીન કે સંપત્તિના માલિકે આવકવેરા એક્ટની કલમ-45(5-a) મુજબ, સરકારમાં કેપિટલ ગેઈન ટેક્સ ચૂકવવાનો થાય છે. લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સનો દર 12.5 ટકા છે. શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સનો દર, ઈન્કમટેક્સ સ્લેબના આધારે, 10 થી 39 ટકા વચ્ચે છે.