Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક કાલે ગુરૂવારે ચેરમેનના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં જામનગરની વધારવામાં આવેલી હદના છેવાડાના અવિકસિત વિસ્તારોના વિકાસ માટેની ચિંતાઓ કરવામાં આવી. શહેરના આઉટર વિસ્તારોમાં લાખો નગરજનો વસવાટ કરે છે, આ સેંકડો વિસ્તારોમાં રોડ-રસ્તાઓ, ભૂગર્ભ ગટર તથા વોટર વર્કસના તેમજ ડ્રેનેજ સહિતના કામોની અવારનવાર માંગ ઉઠતી હોય છે. અને, ખાસ કરીને ચોમાસામાં તથા આકરાં ઉનાળામાં આ લાખો નગરજનોની હાલાકીઓ વધી જતી હોય છે. આ ઉપરાંત શહેરના વિવિધ સેંકડો વિસ્તારોમાં સડક નેટવર્કિંગ પણ વધારવું જોઈએ એવી પણ માંગ ઉઠતી રહે છે. અને, સંખ્યાબંધ માર્ગો સાવ ખલાસ પણ થઈ ગયા છે. આ તમામ કામો માટે મોટી રકમની જરૂરિયાત ઉભી થઈ હોય, મહાનગરપાલિકાએ સરકારમાં વિગતવાર દરખાસ્ત મોકલવા, કમિશનરની દરખાસ્ત મુજબ આ તમામ કામોનો સૈદ્ધાંતિક સ્વીકાર કાલની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કર્યો છે.

ચેરમેન નિલેષ કગથરાએ જણાવ્યું છે કે, શહેરના આઉટર વિસ્તારોના વિકાસના કામો માટે આશરે રૂ. 44 કરોડની એક દરખાસ્ત અને આશરે રૂ. 79 કરોડની અન્ય એક દરખાસ્ત મળી કુલ રૂ. 123 કરોડના વિકાસકામો આગામી સમયમાં હાથ ધરવા, આ રકમની ગ્રાન્ટ મેળવવા સરકારમાં આ માટેની વિધિવત્ દરખાસ્ત મોકલવા અને મંજૂરીઓ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે. કમિશનર દ્વારા તૈયાર કરવામાં આવેલી આ બંને દરખાસ્તનો હાલ સૈદ્ધાંતિક સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. આ મંજૂરીઓ 2023ના ઠરાવોના આધારે આપવામાં આવી છે.
આ ઉપરાંત ચેરમેને જણાવ્યું હતું કે, અત્યાર સુધી ભૂગર્ભ ગટર સફાઈ કામગીરીઓ દરમિયાન ફરિયાદો અને ફરિયાદોના નિકાલના આધારે સફાઈ કોન્ટ્રાક્ટરોને મહાનગરપાલિકા પેમેન્ટ આપતી હતી. હવે શહેરના વિવિધ ઝોનમાં આ કોન્ટ્રાક્ટરો ફરિયાદોના નિકાલ માટે જેટલાં માણસો રાખશે, એ માણસોના વેતનનો હિસાબ જાણીને તેને આધારે કોન્ટ્રાક્ટરોને પેમેન્ટ આપવામાં આવશે. અને, મહાનગરપાલિકા કોન્ટ્રાક્ટરોના આ માટેના માણસોની હાજરીની ચકાસણીઓ પણ કરશે. આ હાજરી મહાનગરપાલિકાની એપ ‘જામનગર કનેકટ’ દ્વારા પૂરવામાં આવશે. આ ઉપરાંત ફરિયાદની નોંધ હવે કોન્ટ્રાક્ટરને બદલે જામનગર મહાનગરપાલિકા કરશે અને આ ફરિયાદોનો નિકાલ થયો કે કેમ, અથવા ફરિયાદોનો નિકાલ કેવી રીતે કરવામાં આવ્યો વગેરે બાબતોનું મોનિટરીંગ મહાનગરપાલિકા કરશે. અગાઉ આ પ્રક્રિયાઓ કોન્ટ્રાક્ટરોના માણસો કરતાં હતાં. જેમાં હવે ખાસ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
