Mysamachar.in:દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલો બ્લ્યુ ફ્લેગ બીચ શિવરાજપુર હજારો લોકો માટે આકર્ષણનું સ્થાન છે. અહીંનો દરિયાકિનારો સૌને ખૂબ આકર્ષે છે. જામનગર સહિતના શહેરોમાંથી હજારો લોકો આ દરિયાકિનારે ફરવા તથા ફોટોગ્રાફી અને વીડિયો શૂટિંગ માટે પહોંચે છે, ખાસ કરીને પ્રિ-વેડીંગ માટે પણ આ બીચ લોકપ્રિય છે. શિવરાજપુર અને માંડવી સહિતના ગુજરાતના લગભગ બધાં જ બીચ અદ્રશ્ય થઈ જશે ! ખુદ કેન્દ્ર સરકારનો રિપોર્ટ આમ કહે છે.
કેન્દ્ર સરકારનાં અર્થ સાયન્સ વિભાગનાં રિપોર્ટની વિગતો રાજ્યસભામાં રજૂ થયેલી. જેમાં કહેવાયું છે, દ્વારકા નજીકનાં શિવરાજપુર બીચ સહિતના ગુજરાતના લગભગ બધાં જ બીચ દરિયાકાંઠાના ધોવાણને કારણે નાશ પામવા તરફ ગતિ કરી રહ્યા છે. આ ઉપરાંત આ તમામ બીચ પર કાદવ કીચડ અને કચરો તથા ગંદકી ચિક્કાર છે, એમ રાજ્યસભામાં કહેવાયું. દેશમાં દરિયાકાંઠાનું સૌથી વધુ ધોવાણ ગુજરાતમાં થઈ રહ્યું છે. કારણ કે, સૌથી લાંબો દરિયાકિનારો ગુજરાત ધરાવે છે.
રાજ્યસભામાં કહેવાયું છે કે, ગુજરાતનો દરિયાકિનારો સુંદર છે અને શિવરાજપુર સહિતનાં બીચ પણ સુંદર છે. આ બીચ આવનારી પેઢી નહીં જોઈ શકે ! શિવરાજપુર બીચ પર 32,692 સ્ક્વેર મીટર જમીનનું ધોવાણ થઇ ચૂક્યું છે. આ ઉપરાંત આ બીચ પર 2,396 સ્ક્વેર મીટર જમીન પર કાદવ-કીચડ પથરાઈ ચૂક્યો છે ! સુરતના ઉભરાટ અને કચ્છનાં માંડવી બીચની સ્થિતિ પણ ચિંતાજનક છે. આ પ્રકારના બધાં જ બીચ ગાયબ થશે !
દેશમાં સૌથી વધારે ગુજરાતમાં 537.5 કિલોમીટર દરિયાકાંઠાનું ધોવાણ થયાનું સરકારે રાજ્યસભામાં સ્વીકાર્યું. રાજ્યસભામાં કોન્ગ્રેસે એમ કહ્યું કે, દરિયાકિનારે ધોવાણ અને કાંપ, કીચડ ભરાવાના નિવારણ માટે સરકારે જે યોજના બનાવી છે તે યોજનામાં તામિલનાડુ, કેરળ તથા પોંડિચેરીનાં દરિયાકિનારે આવેલી સાઈટનો સમાવેશ કર્યો છે. આ યોજનામાં ગુજરાતની દરિયાકિનારાની એકેય સાઈટનો સમાવેશ કરવામાં આવ્યો નથી.