Mysamachar.in:અમદાવાદ
અમદાવાદનો પોલીસ તોડકાંડ ઘણાં દિવસોથી રાજયમાં ચર્ચાઓમાં છે. જેમાં એરપોર્ટથી શહેરમાં જઈ રહેલો એક પરિવાર તોડકાંડનો ભોગ બન્યાની ફરિયાદ થયેલી. આ કેસની સુનાવણી દરમિયાન વડી અદાલતે સરકારને કેટલાંક નિર્દેશ આપ્યા છે. જેમાં પોલીસ અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ અંગે પણ કહેવાયું છે. અમદાવાદમાં થોડા દિવસ પહેલાં 1 વર્ષના પુત્ર સાથે એક દંપતિ એરપોર્ટથી મોડી રાત્રે શહેર તરફ જઈ રહ્યું હતું ત્યારે આ દંપતિ પાસેથી પોલીસ દ્વારા રૂપિયા 60,000 નો તોડ થયો હતો એ મતલબનો કેસ વડી અદાલતમાં સુનાવણી પર આવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, હાઈકોર્ટ દ્વારા આ કેસની સુનાવણી સુઓમોટો હાથ ધરવામાં આવી છે.
વડી અદાલતે સરકારને આપેલાં મહત્વના સૂચનોમાં કહેવાયું છે કે, પોલીસ કે ઓથોરિટી સામે કોઈને પણ ફરિયાદ કરવી હોય તો તે માટે ગુજરાત સ્ટેટ પોલીસ કમ્પ્લેઈન ઓથોરિટી સાથે જોડાયેલા હેલ્પલાઇન નંબર જનરેટ કરવામાં આવે. દરેક જિલ્લામાં પોલીસ કમ્પ્લેઈન ઓથોરિટીની રચના કરવામાં આવે. રાજયકક્ષાએ હાઈકોર્ટ કે સુપ્રિમ કોર્ટના નિવૃત જજની અધ્યક્ષતામાં બોર્ડની રચના કરવામાં આવે. હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલ અને ન્યાયમૂર્તિ અનિરુદ્ધા માયાની ખંડપીઠે સરકાર પક્ષને કહ્યું હતું કે, તમને જે સુચનો કરવામાં આવ્યા છે તે પરત્વે શું કરવા માગો છો ? તે મુદ્દે 22 મી સપ્ટેમ્બર સુધીમાં જવાબ રજૂ કરવા નિર્દેશ આપવામાં આવે છે.
સુનાવણી દરમિયાન અદાલતે એવી પણ ટકોર કરી હતી કે, પોલીસ સામે ફરિયાદ હોય તો કોઈ નાગરિક ફરિયાદ કરી શકતો નથી. તેના માટે રાજય અને જિલ્લાકક્ષાએ બોર્ડ બનાવવા કહેવાયું છે. ડીવાયએસપી તથા તેથી ઉપરના પોલીસ અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ કરવા અલગ વ્યવસ્થા હોવી જોઇએ. પોલીસ સત્તાવાળાઓ સામે ફરિયાદ દાખલ કરવા એક અલગ હેલ્પલાઇન નંબર હોવો જોઇએ. લોકો દ્વારા આ વ્યવસ્થામાં જે ફરિયાદો પોલીસ વિરુદ્ધ થઈ હોય તે ફરિયાદોનો નિકાલ ચોક્કસ સમય મર્યાદામાં કરવા વ્યવસ્થા ગોઠવવામાં આવે.