mysamachar.in-ગાંધીનગર:
જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લા સહિત રાજ્યમાં અમુક વિસ્તારોમાં આ વર્ષે નબળા ચોમાસાના કારણે પાક નિષ્ફળ જવાના ભય વચ્ચે ખેડૂતોમાં દેકારો બોલી ગયો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા પાક વીમાના દાવા માટે ક્રોપ કટીંગ પાક અખતરાની કામગીરી શરૂ કરી છે જેમાં ઘર્ષણ જવાના એંધાણ વચ્ચે ગાંધીનગર કૃષિ વિભાગના અધિક મુખ્ય સચીવ સંજય પ્રસાદે રાજ્યના ડી.જી.ને પત્ર લખી પોલીસ બંદોબસ્ત ફાળવવા માંગ કરી છે,
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પાક અખતરાની કામગીરી સમયે અધિકારી અને વીમા કંપનીના પ્રતિનિધિ સાથે ખેડૂતોની માથાકૂટનો બનાવ સામે આવ્યો છે અને પોરબંદરમાં તો પાક અખતરાની કામગીરી સામે જ ખેડૂતોએ અનેક સવાલો ઊભા કરીને ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે,
ત્યારે નબળા ચોમાસા વચ્ચે ખેડૂતોમાં ભારે ચિંતા જન્મી છે તેવામાં સરકારે પાક વીમાના દાવા માટે ક્રોપ કટિંગ પાક અખતરાની કામગીરી દરમ્યાન ડખ્ખા થવાની શક્યતા સરકારે વ્યક્ત કરી છે અને સરકારના કૃષિ વિભાગના અધિક સચીવ સંજય પ્રસાદ રાજ્યના ડી.જી.શિવાનંદ ઝાને પત્ર લખીને જણાવ્યુ છે કે,
રાજયમાં પ્રધાન મંત્રી ફસલ વીમા યોજના અન્વયે પાક વીમાના દાવાઓની ગણતરી કરવા માટે પાક કાપણી અખતરાની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે આ કામગીરીમાં ખલેલ પહોચાડવાની અથવા બિનજરૂરી દબાણ લાવવાની કોશીષ થવાની શક્યતા રહેલી છે અને ઘર્ષણ ન થાય તેમજ પોલીસ બંદોબસ્તના કારણે કર્મચારીઓ પાક અખતરાની કામગીરી અસરકારક રીતે કરી શકે તે માટે ગ્રામ સેવકો વગેરે સ્ટાફને તાત્કાલિક પોલીસને અખતરાની કામગીરીમાં હાજર રાખીને બંદોબસ્ત ફાળવવા જણાવ્યુ છે,
આમ ગુજરાતમાં અગાઉ પણ ખેડૂતોએ વીમા માટે દેકારો બોલાવ્યો હતો અને ક્રોપ કટિંગ મામલે ખેડૂતોએ અસંતોષ વ્યક્ત કર્યો હતો તેવામાં આ વર્ષે પણ વીમા દાવા માટે હાથ ધરવામાં આવેલ કામગીરીમાં ડખ્ખા ન થાય તે માટે તકેદારીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત માંગવાની ફરજ પડી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.