Mysamachar.in-ગાંધીનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર મહાનગરમાં બે રેલ્વે ઓવરબ્રીજ અને 1 રેલ્વે અંડરબ્રીજના નિર્માણ કામો માટે કુલ 100.98 કરોડ રૂપિયાની મહાનગરપાલિકાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ અંગેની રાજ્ય ફાળાની રકમ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આપવામાં આવશે. રાજ્યના નગરો-મહાનગરોમાં રેલ્વે ઓવરબ્રીજ-અંડરબ્રીજના નિર્માણ દ્વારા નાગરિકોને વાહન યાતાયાત અને અવર-જવરમાં સરળતા રહે તેમજ સમય અને ઇંધણની પણ બચત થાય તેવો ઉદાત આશય આવા કામોને મંજૂરી આપવા પાછળ રાખવામાં આવેલો છે.
તદઅનુસાર, મુખ્યમંત્રીએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આ બે રેલ્વે ઓવરબ્રીજ અને એક રેલ્વે અંડરબ્રીજના જનસુવિધા વૃદ્ધિ કામોની ભેટ જામનગર મહાનગરને આપી છે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, ફાટકમુકત ગુજરાતની નેમને સાકાર કરતાં રાજ્ય સરકારે અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં રેલ્વે ઓવરબ્રીજ-રેલ્વે અંડરબ્રીજના કુલ 29 પ્રોજેકટ માટે રૂ.830 કરોડની રકમની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. ગુજરાતના નગરો-મહાનગરોમાં આવા રેલ્વે ઓવરબ્રીજ-રેલ્વે અંડરબ્રીજના વિવિધ કામો માટે નગરપાલિકાઓ માટે કુલ 78 કરોડ રૂપિયા તેમજ મહાનગરપાલિકાઓ માટે પણ 78 કરોડ રૂપિયા મળી સમગ્રતયા 156 કરોડ રૂપિયાની જોગવાઇ 2021-22ના વર્ષ માટે કરવામાં આવી છે.