Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાતનું ગૃહ મંત્રાલય એક મોટી તૈયારીઓ કરી રહ્યું છે. રાજ્યભરમાં જે પણ લોકો ઘરઘાટીથી માંડીને કોઈ પણ કામ ‘ખાનગી ધંધાકીય એકમના કર્મચારી’ તરીકે કરે છે, તે તમામ લોકોના વર્કર ID ફરજિયાત કરવામાં આવશે. અને, આ એક એક IDની સ્થાનિક પોલીસમાં નોંધ થશે. અત્રે ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં એવા ઘણાં લોકો છે જેઓ કોઈ પણ પ્રકારની નોંધણી વગર અહીં વસવાટ કરી રહ્યા છે. આ પ્રકારના લોકોને શોધી કાઢવામાં આવશે.
ગૃહ મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે, સરકાર આ માટે SOP બનાવવા જઈ રહી છે. રાજ્યના તમામે તમામ ખાનગી નોકરીદાતાઓએ પોતાના તમામ કર્મચારીઓના વર્કર ID ફરજિયાત તૈયાર કરવાના રહેશે અને આ તમામ વિગતની નકલ પોલીસમાં પણ જમા કરાવવાની રહેશે. સૂત્ર કહે છે, SOP એ રીતે બની રહી છે કે, કોઈ નોકરીદાતા આ વિગતો આપવાનું ટાળશે તો તેના વિરુદ્ધ ફોજદારી કાર્યવાહીઓ થઈ શકશે.

જો કે કોઈ પણ આવા ખાનગી કર્મચારીએ બનાવટી દસ્તાવેજના આધાર પર વર્કર ID મેળવી લીધું હશે તો તે માટે નોકરીદાતાને જવાબદાર લેખવામાં આવશે નહીં. પરંતુ ચા પાનની હોટેલ દુકાનના માલિકથી માંડીને કોઈ પણ ખાનગી કંપનીના માલિક સુધી તમામ નોકરીદાતાઓએ, ઘરમાં નોકર રાખ્યો હશે તો પણ, આ પ્રકારના વર્કર ID ફરજિયાતપણે બનાવવાના રહેશે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગઈકાલે મંગળવારે ગૃહરાજ્યમંત્રીએ તમામ પોલીસ કમિશનરો અને રાજ્યના તમામ જિલ્લાઓના પોલીસ અધિક્ષક સાથે એક બેઠક યોજી હતી. ત્યારબાદ આ વિગતો બહાર આવી.
તમામ નોકરીદાતાઓએ પોલીસમાં જમા કરાવેલી આ વિગતોની એક નકલ પોતાની પાસે પણ રાખવાની રહેશે. ટૂંકમાં, હવે પછી આ પ્રકારના દરેક વર્કરના આધારકાર્ડ અને રાશનકાર્ડ સહિતના તમામ ઓળખ આધાર નોકરીદાતાઓએ પોતાની પાસે રાખવા પડશે. આ માટેની SOP ગૃહ મંત્રાલયે બનાવી લીધી છે અને ગણતરીના સમયમાં જ આ સૂચનાઓ તમામ સંબંધિત પોલીસ અધિકારીઓ સુધી પહોંચી જશે.

આખા રાજ્યના આ તમામ વર્કરનો ડેટા ગૃહ મંત્રાલય પાસે સંકલિત રૂપમાં રહેશે. ટેકનોલોજીના ઉપયોગથી આ સંકલન કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં અમદાવાદ અને સુરત ખાતે ગેરકાયદેસર વસાહતીઓના ચેકિંગ દરમિયાન અમુક ગુનેગારો પણ ઝડપાયા છે અને અમુક એવા શખ્સો પણ હાથમાં આવી ગયા છે, જે એક યા બીજી રીતે આતંકી સંગઠન સાથે સંકળાયેલા છે. આવા ઘણા લોકો પાસે બનાવટી દસ્તાવેજ હતાં, એક બાંગ્લાદેશી મહિલા પાસે તો બનાવટી દસ્તાવેજના આધારે તૈયાર કરેલો પાસપોર્ટ પણ મળી આવ્યો છે.
