Mysamachar.in-ગાંધીનગર:
બજારોમાં મળતું ફૂડ અને સૌનું આરોગ્ય- આ બંને મુદ્દાઓ એકમેક સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. યોગાનુયોગ, કેન્દ્રીય આરોગ્યમંત્રી આવતીકાલે તત્કાલ ફૂડ લાયસન્સ માટે પાઈલોટ પ્રોજેક્ટનો આરંભ કરાવશે. ગુજરાત સહિતના 4 રાજ્યમાં આ પ્રોજેક્ટ શરૂ થશે. પ્રોજેક્ટનો પ્રારંભ દિલ્હીથી કરાવવામાં આવશે, ગુજરાતના આરોગ્યમંત્રી-પ્રવક્તા ઋષિકેશ પટેલએ આ જાહેરાત કરી છે.
સરકાર ફૂડ સેકટરમાં ઈઝ ઓફ ડુઈંગને પ્રોત્સાહન આપવા ઈચ્છે છે. આથી ભારત સરકારની એજન્સી ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા ખાદ્ય પદાર્થોના વેપાર સાથે સંકળાયેલા એકમોને તાત્કાલિક ફૂડ લાયસન્સ મળી શકે તે માટે લાયસન્સ-રજિસ્ટ્રેશન ઈસ્યુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલએ આ માહિતી આપતાં કહ્યું: આ પ્રોજેક્ટ ફૂડ વેપાર સાથે જોડાયેલા લોકોની સરળતા માટે છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી જે.પી.નડ્ડા આ પાઈલોટ પ્રોજેક્ટનો દિલ્હીથી આવતીકાલે 28 જૂને આરંભ કરાવશે.
તેઓએ ઉમેર્યું કે, આ માટે ધંધાર્થીઓએ ઓનલાઈન અરજી કરવાની, ફી ભરવાની રહેશે. બાદમાં GST અને આધારકાર્ડ સાથે વેરીફિકેશન થશે અને તુરંત લાયસન્સ આપી દેવામાં આવશે. આ માટે દરેક જિલ્લામાં ખોરાક ઔષધ નિયમન તંત્ર અને મહાનગરપાલિકાઓએ લાયસન્સ અને રજિસ્ટ્રેશન માટે કેમ્પ ગોઠવવાના રહેશે. આ નવી વ્યવસ્થાથી ફૂડ બિઝનેસને તેમની વ્યવસાયિક કામગીરીઓ કરવામાં ઝડપ થશે, કાર્યક્ષમતા વધશે. સમયનો બચાવ થશે અને સમગ્ર વ્યવસ્થામાં પારદર્શિતા વધશે.