Mysamachar.in-ગાંધીનગર:
કોઈપણ સરકારી તંત્ર જયારે કોઈ VVIPની ખિદમતમાં હોય છે ત્યારે અલગ રીતે વર્તે અને વાત જ્યારે એવરેજ નાગરિક સંબંધિત હોય ત્યારે, તંત્રની ચાલચલગત અલગ હોય છે. અને આવા કારણથી તંત્રો ટીકાપાત્ર બનતાં હોય છે, કેમ કે તંત્રની આ નીતિરીતિ સામે લોકોની દલીલ એવી હોય છે કે, અમે પણ VVIPથી કમ નથી, અમો કરદાતાઓ છીએ અને અમારાં પસીનાની કમાણીમાંથી જ આ બધાં તામઝામ ચાલતાં હોય છે.
આ મુદ્દો ચર્ચાઓમાં આવવાનું કારણ એ છે કે, વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ખાતે રાજ્યનું ફૂડ એન્ડ ડ્રગ્સ ખાતું ફટાફટ કામગીરીઓ કરી રહ્યું છે અને પોતાની પીઠ પોતાના જ હાથે થાબડી રહ્યું છે, ત્યારે લોકોએ પ્રશ્ન એ કર્યો છે કે, આ રીતે 365 દિવસ લોકોના કામો કરવામાં આ વિભાગને તકલીફ શું છે ?! સરેરાશ નાગરિકના આરોગ્યની સંભાળ લેવાની આ વિભાગની ફરજ છતાં આ વિભાગ મોટેભાગે નિષ્ક્રિય રહે છે, તેથી લોકોએ આ પ્રશ્ન ખડો કર્યો છે.
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સખત જહેમત ઉઠાવી રહ્યો છે, મહાનુભાવોની ખિદમતમાં ખડેપગે છે, બ્રેકફાસ્ટથી માંડીને ડીનર સુધીના તમામ ખાદ્ય પદાર્થ અને પીણાંઓની રાતદિવસ ચકાસણીઓ થઈ રહી છે, સ્થળ પર 100થી વધુ ટેસ્ટ થઈ રહ્યા છે અને તેના રિપોર્ટ ઓન ધ સ્પોટ આપવામાં આવી રહ્યા છે (આવી સેવાઓ કાયમ, કરદાતાઓની કેમ નથી થતી ?! કરદાતાઓ VVIP નથી ?!)
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ખોડંગાતો ચાલે છે, આ વિભાગ પાસે પૂરતો સ્ટાફ પણ નથી, અધિકારીઓ પણ નથી, એક એક અધિકારીને આઠ આઠ દસ દસ જિલ્લાઓની જવાબદારીઓ સોંપવામાં આવે છે, આથી આ વિભાગ જામનગર સહિત સમગ્ર રાજયમાં માત્ર વારે તહેવારે દેખાવ પૂરતાં નાટકો કરે છે.