Mysamachar.in-જામનગર
આજના સમયમાં લોકો પોતાના સ્વાસ્થ્યને કાયમી માટે સારું રાખવાની અને તેને જાળવવાની બહુ બધી કોશિશો કરતાં હોય છે. એટલા માટે લોકો સવાર સવારમાં કસરત, યોગાસન અને વોક કરતાં હોય છે. ઘણા લોકો સવારમાં પોતાના શરીરને ફિટ રાખવા માટે દોડવાનું પણ પસંદ કરતાં હોય છે. જો બહારનું વાતાવરણ અનુકૂળ ન હોય તો ઘણા લોકો પોતાના ઘરે ટ્રેડમિલ ઉપર દોડવાનું પસંદ કરે છે. ટ્રેડ મિલ ઉપર દોડવા માટે લોકોને અનેક પ્રકારના વિકલ્પો મળી રહે છે.
જેમાં અંદર ગતિ, પ્રતિરોધ અને જુકાવ વગેરેને વધારી કે ઘટાડી શકાય છે. ખરેખર દોડવું એ એક ઉત્તમ વર્ક-આઉટ માનવામાં આવે છે. જેનાથી શારીરિક અને માનસિક રીતે અનેક લાભો થાય છે. કેટલાય રિસર્ચમાં એ સાબિત થયું છે કે દોડવાથી હૃદયની સ્થિતિ સારી રહે છે. જે લોકો નિયમિત દોડે છે તેમનામાં કોરોનરી હાર્ટ ડિસીઝ અને સ્ટ્રોક(ધમનીઓમાં બ્લોકેજથી હાર્ટ પ્રોબ્લેમ)થવાની શક્યતા 50 ટકા જેટલી ઓછી થઈ જાય છે.
-જો દોડવાની આદત ન હોય તો નિયમિત દોડવાની શરૂઆત કરતાં પહેલાં ડોક્ટરની સલાહ લેવી જોઈએ. ડોક્ટર હા પાડે એ પછી જ શરુઆત બ્રિસ્ક વોકિંગ એટલે ઝડપથી ચાલવાનું કરવું અને ત્યાર પછી દોડવાનું શરુ કરવું. દોડવાની શરૂઆત ધીમી ઝડપે જોગિંગની જેમ કરવી જોઈએ. આ જ રીતે એક અઠવાડિયા સુધી દોડવાનું રાખવું. એ પછી ધીમે-ધીમે ઝડપ વધારતી જવી. પરંતુ તેની સીમા નક્કી રાખવી.
-દોડવાથી કાર્ડિયોવાસ્ક્યુલર (હૃદય અને રક્તવાહિની) તથા ફેંફસાની ફિટનેસમાં સુધારો થાય છે. દોડવાના કારણે શરીરની અંદર દરેક ભાગમાં યોગ્ય પ્રમાણમાં રક્ત પ્રવાહ વધે છે અને સાથે શરીરની અંદર વધુ માત્રામાં ઓક્સિજન પહોંચે છે. જે ધમનીઓ અને ફેફસાને ફિટ રાખવા માટે મદદરૂપ સાબિત થાય છે.
-જો 40 વર્ષથી વધારે ઉંમર હોય તો અઠવાડિયામાં પાંચેક દિવસ જ દોડવું અને બાકીના દિવસો શરીરને આરામ આપવો જોઈએ. આ દિવસોમાં વોક કે ઘરમાં કસરત કરી શકાય. કેટલું દોડવું જોઈએ? તે માટે કોઈ નક્કી નિયમ નથી. શરીરની અનુકૂળતા મુજબ દોડવું યોગ્ય છે. શરીર જ પોતાની ક્ષમતા પ્રમાણે જણાવે કે કેટલું દોડવું અને કેટલી ઝડપે દોડવું યોગ્ય છે. જો દોડતી વખતે થાક લાગે કે કોઈ અન્ય તકલીફ થાય તો તરત રેસ્ટ કરવો. પરંતુ તાત્કાલિક પાણી, જ્યૂસ કે કોઈ પ્રવાહી ન પીવું. જો કંઈ વધારે તકલીફ થાય તો ડોક્ટરનો સંપર્ક કરતાં જરા પણ સંકોચ ન કરવો જોઈએ.
-જેને હૃદય સંબધિત કોઈ પણ પ્રકારની તકલીફ હોય તેમણે એ જાણવું ખૂબ જરૂરી છે કે તેઓ રનિંગ કરી ન શકે. આ માટે અમુક પ્રકારના ટેસ્ટ કરાવવા જોઈએ. જેમ કે ટ્રેડ મિલ ટેસ્ટ, ECG ટેસ્ટ, ઇકોકાર્ડિયોગ્રાફી વગેરે.. હૃદય રોગથી પીડિત લોકો જો વધારે રનિંગ કરે તો હાર્ટ અટેક કે હાર્ટ ફેલ્યોર થઈ શકે છે. જે લોકો નિયમિત રૂપે કસરત કરતાં નથી તેમને પણ આ શક્યતા વધારે રહે છે. જેમને BPની સમસ્યા છે, ડાયાબિટીઝ છે, ધુમ્રપાન કે સ્મોકિંગ કરે છે તેમને દોડવાથી જોખમ વધી જાય છે.
-ઋતુ પ્રમાણે દોડવામાં સાવધાની રાખવી જોઈએ. ગરમીમાં પાણીની અછત ન થાય તેમજ ઠંડીમાં તમારા મસલ્સને વોર્મઅપ માટે ગરમ રાખવા અને ચોમાસામાં ચોખ્ખી વરસાદ વિનાની જગ્યાએ દોડવું જોઈએ. જે ઉત્તમ છે. રનિંગની શરૂઆત પહેલાં હંમેશાં વોર્મઅપથી શરૂઆત કરવી. શૂઝ વગર દોડવું જોઈએ નહિ. તેનાથી પગને સરસ સપોર્ટ મળે છે. યોગ્ય સાઈઝના હોય એવા શૂઝનો હંમેશા દોડતી વખતે ઉપયોગ કરવો જોઈએ.
જ્યાં વાહનોની સતત અવર-જવર વધારે થતી હોય એવી જગ્યા પર ન દોડવું કારણકે તેમાંથી નીકળતા ધુમાડાથી કાર્ડિયોવસ્કુલર અને શ્વસન તંત્ર સંબધિત તકલીફ કરી શકે છે.જો સાંજના સમયે રનિંગ કરવાની ઈચ્છા હોય અથવા તો સાંજના સમયે રનિંગ કરતા હોઈએ ત્યારે ઇવનિંગ સ્નેક્સ અને રનિંગ વચ્ચે ઓછામાં ઓછું 2 કલાક જેટલું અંતર રાખવું જોઈએ. સ્નેક્સમાં કાર્બોહાઈડ્રેટ હોય તો ખાસ આ વાતનું રાખવું. આમ ન કરવાથી આરોગેલાં ભોજનનું વ્યવસ્થિત પાચન થતું નથી.દોડવાનું શરૂ કરતી વખતે આ ઉપરોક્ત ટીપ્સને ફોલોવ કરવાથી જરૂર દોડવાનું શરીર માટે ફાયદાકારક અને ઉપયોગી થશે.