Mysamachar.in-જામનગર:
જામનગરના એક વિધવાની ફરિયાદના આધારે એક શખ્સની ધરપકડ થયા બાદ પોલીસે આ મામલાના એક સહઆરોપી એવા એક એડવોકેટની રાત્રે 2 વાગ્યે ધરપકડ કરતાં વકીલ આલમે પોલીસની કાર્યપદ્ધતિ સામે સવાલો ઉભા કર્યા છે અને આ સંબંધે હાઈકોર્ટ સુધી લડી લેવાની તથા પોલીસ અધિકારી વિરુદ્ધ ફરિયાદની તજવીજ હાથ ધરતાં આ મામલો ચકચારી બન્યો છે.
આ મામલાની અગાઉની વિગતો અનુસાર, સોની નામના એક વિધવાએ પોતાના મકાનમાં તોડફોડ કરવા, નાણાંની માંગણી કરવા તથા ધમકી આપવા સંબંધે એક કુખ્યાત શખ્સ સહિતના આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરાવેલી, જેમાં આરોપી તરીકે એક વકીલનો પણ સમાવેશ થાય છે.
આ ફરિયાદ બાદ પોલીસે કુખ્યાત શખ્સ દિવ્યરાજસિંહ મંગળસિંહ ચૌહાણ ઉર્ફે દીવલા નામના શખ્સની ધરપકડ કરી હતી. ત્યારબાદ એક મહિના પછી પોલીસે એક સહઆરોપી બળભદ્રસિંહ જાડેજાની ધરપકડ કરી હતી. અને એ પછી ગત્ 29 સપ્ટેમ્બરની મોડી રાતે પોલીસ આરોપી એવા વકીલ નિર્મળસિંહ જાડેજાના ઘરે પહોંચી અને ધરપકડ કરી લીધી. બાદમાં જો કે વકીલની જામીનમુક્તિ પણ થઈ ગઈ છે.
-જામનગરના વકીલમંડળે આ મામલે શું કહ્યું ?…
આ પ્રકરણની અન્ય વિગત અનુસાર, સ્થાનિક અદાલતમાં કોઈ કામસર સિટી બી ડિવિઝન પોલીસ ઈન્સ્પેક્ટર પ્રેમલ ઝા ગયા હતાં ત્યારે, વકીલોએ એમને ઘેરી લીધાં હતાં. અને, એક વકીલની સાથે પોલીસે કરેલાં આ વ્યવહાર સંબંધે ઉગ્ર રજૂઆત કરી હતી. જો કે આ સમયે, LCB સ્ટાફ અદાલતમાં પહોંચી જતાં ઉગ્રતામાં ઓટ આવી હતી અને પોલીસ ઈન્સ્પેક્ટર અદાલતની બહાર જતાં રહ્યા હતાં.
આ સંબંધે વકીલમંડળના પ્રમુખ ભરત સુવાએ કહ્યું : આ કેસમાં એક વકીલને આરોપી બનાવવામાં આવ્યા છે, તેની સામે વકીલોનો કોઈ વિરોધ નથી. પરંતુ જે રીતે વકીલની ધરપકડ થઈ તે રીત વિવાદી છે. રાત્રે બે વાગ્યે કોઈ વકીલની સાથે હાર્ડકોર ગુનેગાર સાથે થતું હોય એવું વર્તન કરી, પોલીસે ધરપકડ કરી છે તે યોગ્ય વર્તન નથી. આ મુદ્દે હાઇકોર્ટના સિનિયર વકીલ મારફતે રિટ દાખલ કરવામાં આવશે અને જવાબદાર પોલીસઅધિકારી વિરુદ્ધ કાનૂની લડત આપવામાં આવશે. આ મામલામાં માનવ અધિકાર હનન થયું હોય, પોલીસ અધિકારી વિરુદ્ધ માનવ અધિકાર કોર્ટમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવશે.