Mysamachar.in:ગુજરાત
સૌ જાણે છે એમ ટ્રસ્ટનાં ઓઠાં હેઠળ ઘણું થઈ શકતું હોય છે. અને, ઘણાં ટ્રસ્ટ ઘણું કરતાં પણ હોય છે. આ બધી સંભાવનાઓ ધ્યાનમાં રાખી સરકારે કેટલીક જોગવાઈઓ આકરી બનાવી છે. જો કે, આ પ્રકારની આકરી કહેવામાં આવતી જોગવાઈઓનો સ્થાનિક સ્તરે અમલ કેવી રીતે થાય છે ? અથવા, થશે – તેનાં પર સઘળો આધાર હોય છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં રજૂ કરવામાં આવેલાં અંદાજપત્રમાં ટ્રસ્ટો માટે શ્રેણીબદ્ધ ફેરફારો જાહેર કર્યા છે. આ ફેરફારો ટ્રસ્ટની માન્યતા રિન્યુઅલ, ટ્રસ્ટ દ્વારા દાખલ કરવામાં આવતાં આવકવેરા રિટર્ન તથા ટ્રસ્ટ દ્વારા થતી અથવા કરવામાં આવતી ભૂલો અને ટ્રસ્ટને મળતી કરમુક્તિ છૂટછાટો સાથે સંબંધિત છે.
બજેટમાં જણાવવામાં આવ્યું છે કે, જે ચેરિટેબલ ટ્રસ્ટ રજીસ્ટ્રેશનનાં રિન્યુઅલમાં ઢીલ કરશે, તે ટ્રસ્ટે વર્તમાન દરોએ ટેકસ ચૂકવવો પડશે. ઘણાં લોકો માને છે કે, ઘણાં બધાં ટ્રસ્ટ રિન્યુઅલ સંબંધે ઉદાસીન અથવા બેદરકાર રહેતાં હોય છે. હવે આ પ્રકારની ઉદાસીનતા તથા બેદરકારીની ટ્રસ્ટે આકરી કિંમત ચૂકવવી પડશે. અત્રે નોંધનીય છે કે, સ્થાનિક સ્તરે જોગવાઇઓનો તથા નિયમોનો કડક અમલ થતો હોતો નથી. અગાઉનાં વર્ષોની આકારણીઓમાં પણ ટ્રસ્ટોને કરમુક્તિનો (ગેર)લાભ આપી દેવામાં આવતો હોય છે !
ઘણાં ટ્રસ્ટ અંદરોઅંદર નાણાંની લેવડદેવડ દાનના રૂપમાં કરતાં હોય છે ! અને, છૂટછાટોનો ગેરફાયદો મેળવી લેતાં હોય છે. આ પ્રકારની ઘણી અનિયમિતતા અને ગેરરીતિઓ સરકારનાં ધ્યાનમાં હોય, જોગવાઈઓ આકરી બનાવવામાં આવી છે. ઘણાં ટ્રસ્ટ સો ટકા કરમુક્તિ મેળવતાં હોય છે. નવી જોગવાઇઓ મુજબ, આ પ્રકારના ટ્રસ્ટ હવે 85 ટકા જેટલી જ કરમુક્તિ પ્રાપ્ત કરી શકશે, એમ નિષ્ણાતો કહે છે. ઘણાં ટ્રસ્ટ એવાં પણ હોય છે જેઓ વર્ષો સુધી કાર્યરત રહેતાં હોય છે પરંતુ રજિસ્ટ્રેશન કરાવતાં હોતાં નથી !
આવા ટ્રસ્ટોને હવે રજિસ્ટ્રેશન કરાવવું અઘરૂં થશે. પાછલાં હિસાબો તપાસવામાં આવશે. તેઓને નવી જોગવાઇઓ મુજબ ટેકસ પણ ચૂકવવો પડી શકે છે. ટ્રસ્ટ દ્વારા મેળવવામાં આવતાં ડોનેશન(દાન) સંબંધિત જોગવાઇઓમાં પણ ફેરફાર થયાં છે.આગામી નાણાકીય વર્ષ માટે જાહેર થયેલાં કેન્દ્રીય અંદાજપત્રની નવી જોગવાઇઓ, જોગવાઇઓમાં થયેલાં ફેરફારો વગેરે અંગે સ્થાનિક કચેરીએ સરકારનાં માહિતી વિભાગની મદદથી સ્પષ્ટતાઓ જાહેર કરવી આવશ્યક છે, તેમ થવાથી ટ્રસ્ટ સંચાલકોને માર્ગદર્શન મળી શકે તથા સમગ્ર પ્રણાલી અને પ્રક્રિયાઓમાં વધુ પારદર્શિતા લાવી શકાય, એવું જાણકારોનું કહેવું છે.






