Mysamachar.in-અમદાવાદ:
આ ચોમાસામાં જામનગર, વડોદરા અને અમદાવાદ સહિતના શહેરોમાં રહેણાંક સહિતના વિસ્તારોમાં અને રોડ-રસ્તાઓ પર પુષ્કળ પાણી ભરાયા, લાખો લોકો પરેશાન થયા અને કરોડો રૂપિયાની નુકસાની પણ જોવા મળી. આ બાબતે રાજ્ય સરકાર હવે ગંભીર બની હોવાનું જાણવા મળે છે. બીજી તરફ અભ્યાસ જણાવે છે કે, રાજ્યમાં નગરરચના વૈજ્ઞાનિક અને યોગ્ય નથી, આથી હવે તેમાં ફેરફારો આવશે.
જામનગર, વડોદરા અને અમદાવાદ સહિતના શહેરોમાં તાજેતરમાં ભારે વરસાદને કારણે તથા ડેમ ઓવરફ્લોને પરિણામે તથા પાણીની વધુ આવક ધરાવતાં જળાશયોના દરવાજા અયોગ્ય પદ્ધતિઓથી ખોલવામાં આવ્યા તેને કારણે- પુષ્કળ પાણી ભરાયા અને સરકાર તથા તંત્રોની પારાવાર ટીકાઓ થઈ તેમજ મોટો ઉહાપોહ મચી ગયો. આ બધી બાબતો ધ્યાન પર લઈ સરકાર હવે નગરરચના બાબતે તથા પાણીના વહેણ બાબતે ગંભીર રીતે આગળ વધશે, એવા અહેવાલ છે.
આ વર્ષે રાજ્યભરમાં જલભરાવની જે ઘટનાઓ બની તેના પ્રાથમિક અભ્યાસ પરથી સરકારે નોંધ લીધી કે, ઘણાં બધાં ઠેકાણે પાણીના કુદરતી વહેણના માર્ગ પર મકાનો અને રસ્તાઓ સહિતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખડકાઈ ગયા છે. જેને કારણે જલભરાવ વિકરાળ બનવા પામેલ છે. આ અભ્યાસના આધારે સરકાર હવે આ દિશામાં અલગ રીતે આગળ વધવા માંગે છે.
સરકારે એવો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે કે, શહેરોમાં અને ધોરીમાર્ગો સહિતના સ્થળો પર જયાં જલભરાવ થતો હશે ત્યાં દબાણો દૂર કરવામાં આવશે. જો આ પ્રકારના બાંધકામ કાયદેસર હશે અને જલભરાવ થતો હશે તો તેવા કેસમાં પાણીના નિકાલ માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ વિચારવામાં આવશે.
આ ઉપરાંત સરકારે એવો પણ નિર્ણય કર્યો છે કે, હવેથી TP સ્કીમની રચના કરતાં સમયે, જેતે જમીનના ઢોળાવ અને ભૌગોલિક સ્થિતિઓ વગેરે ધ્યાન પર લેવામાં આવશે. મતલબ, TP સ્કીમ હવે ઓફિસમાં બેસી કાગળ પર ચીતરી નાંખવામાં નહીં આવે. સંબંધિત લોકેશનના વૈજ્ઞાનિક અભ્યાસ થશે. જમીનના ઢોળાવો અને વરસાદી પાણીના કુદરતી વહેણોનો સંયુકત અભ્યાસ કરવામાં આવશે. જે વિસ્તારોમાં દબાણો નહીં હોય અને જલભરાવ થતો હશે, તેવા વિસ્તારોમાં ફલડ મેનેજમેન્ટ અને સ્ટોર્મ વોટર ડ્રેનેજ મેનેજમેન્ટ વધુ સારી અને ચોક્કસ રીતે અમલમાં મૂકવામાં આવશે.
શહેરોના ટાઉન પ્લાનિંગ અધિકારીઓએ ટીપી સ્કીમ બનાવતાં પહેલાં જમીનના ઢોળાવો જાણવા સંબંધિત શહેરના કોન્ટુર વિભાગ સાથે પરામર્શ કરવાનો રહેશે. GDCR અને DP અમલવારી સમયે મકાનના તળની ઉંચાઈ અને કમ્પાઉન્ડ વોલ સહિતની બાબતોમાં પ્લાનિંગ કરવું પડશે. જેજે વિસ્તારોમાં પાણીના વહેણ હોય તથા જે વિસ્તારોમાં જલભરાવ થતો હોય, તે તમામ વિસ્તારોની અલગથી ઓળખ કરી તેની રેકર્ડ પર નોંધ કરવાની રહેશે જેથી ટીપી સ્કીમ રચના વખતે આ વિગતો અનુસાર સ્કીમ બનાવી શકાય. વરસાદની પેટર્નના આધારે ગટરો અને ડ્રેનેજની સુવિધાઓ ડેવલપ કરવાની થશે.
આ ઉપરાંત ઈમ્પેક્ટ ફી યોજના અંતર્ગત હવેથી પાણીના વહેણને અવરોધે તેવા બાંધકામ નિયમિત કરી આપવામાં આવશે નહીં. આવા બાંધકામ તોડી પાડવાના રહેશે. આ માટે ઈમ્પેક્ટ ફી નિયમોમાં ફેરફાર પણ આવશે. આ સાથે જ મહાનગરોમાં બાંધકામ પરવાનગી આપતી વખતે પણ ઉપરોકત બધી જ બાબતો ધ્યાન પર લઈ બાદમાં જ મંજૂરીઓ આપવામાં આવશે. દરમિયાન, IITનો એક અભ્યાસ કહે છે: અતિશય અને આડેધડ શહેરીકરણ અને વરસાદની પેટર્ન જેવા કારણોસર જલભરાવની ઘટનાઓ વધી અને વિકરાળ બની છે.