Mysamachar.in-મહેસાણા
મહેસાણા જીલ્લાના ખેરાલુ પોલીસે પાંચ શખ્સોને રોકી તપાસ કરતાં આ શખ્સોએ સ્ટેટ આઈબીનો લેટર પોલીસને બતાવ્યો હતો જે લેટર શંકાસ્પદ લાગતાં વર્ષ 2021માં આવો કોઇ લેટર ન અપાયો હોવાનું જાણવા મળતાં પોલીસે પાંચેય શખ્સો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ત્રણ રસ્તા પાસે વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું તે દરમિયાન ઇકો ગાડી નં. જી.જે.09.બી.જી.0575 ને રોકી તલાશી લેતાં ડ્રાઇવર સિવાય બેઠેલ ચાર શખ્સો હિન્દી ભાષા બોલતા હતા અને ચાલકની પૂછપરછ કરતાં તેણે સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરો ગાંધીનગરના સિક્કા તથા નામવાળો અંગ્રેજીમાં લખાણવાળો લેટર બતાવ્યો હતો જેમાં એડીશનલ ડી.જી. ઓફ પોલીસ(ઇન્ટેલિજન્સ) ગુજરાત સ્ટેટની સહીવાળો અને ગોળ સિક્કાવાળો હતો જે લેટર પોલીસને શંકાસ્પદ લાગતાં પૂછપરછ કરતાં તેઓં મોબાઇલ નેટવર્ક કંપની કોસ્મો ઇન્ફ્રા સોલ્યુશનના માણસો હોવાનું જણાવ્યું હતું.
પોલીસ દ્વારા ઝેરોક્ષ લેટર બાબતે ગાંધીનગરની કચેરીએથી માહિતી મેળવતાં આવો કોઇ લેટર વર્ષ 2021માં આપેલ પણ ન હોવાનું જણાવ્યું હતું.જેથી પોલીસે ચાલક પ્રજાપતિ કેતન બેચરભાઇ, શર્મા સુનિલદત્ત હંસરાજ, રાજગોર રાજેન્દ્રસિંહ રામક્રિષ્ણ, શર્મા વિપનકુમાર રોમેશચંદ્ર, શર્મા કુલદીપકુમાર અશોકકુમાર કાશ્મીર, હાલ. મહેતાપુરા, તા.હિંમતનગર વિરુધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આ શખ્સોના નિવેદનમાં હિન્દીભાષી ચાર શખ્સોએ આ લેટર તેમના શેઠ પટેલ પિયુષભાઇ ચંદ્રકાન્તભાઇઅને વોટસઅપથી આપ્યો હોવાનું પણ જણાવ્યું હતું.