Mysamchar.in-અમદાવાદ:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં બાળકો, કિશોરીઓ, સામાન્ય મહિલાઓ અને સગર્ભા મહિલાઓમાં કુપોષણ અને લોહીની કમી(અથવા લોહી વધુ પડતું પાતળું)ઘટાડવા માટે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય રાતદિવસ એક કરે છે, અવારનવાર કાર્યક્રમો અને કેમ્પ થતાં રહે છે, કરોડો રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે, લાખો અધિકારીઓ અને કર્મચારીઓને આ કામો માટે દોડાવવામાં આવે છે, વ્યસ્ત રાખવામાં આવે છે. આટઆટલી સરકારી કસરતો પછી પણ, આજે આ બાબતમાં ગુજરાતની સ્થિતિઓ શું છે ? તે પ્રશ્નનો જવાબ ભારત સરકારના રિપોર્ટમાંથી મળે છે.
ભારત સરકારે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે પૂર્ણ કર્યો. તેના આંકડા જાહેર થયા. અત્રે ઉલ્લેખનિય છે કે, ગુજરાતની ગણના દેશના સમૃધ્ધ રાજ્યોમાં થાય છે. એટલે કે, લોકો ખાધેપીધે સુખી છે. સૌને પોષણ ઉપલબ્ધ છે, સમૃધ્ધિને કારણે લોકોની તંદુરસ્તી પણ સારી હશે, એમ માનવાનું મન થાય પરંતુ આ વાતમાં એક ટ્વીસ્ટ છે. સરકારનો સર્વે કહે છે, દેશના અન્ય ઘણાં રાજ્યની સરખામણીએ ગુજરાતમાં મહિલાઓ અને બાળકોની તંદુરસ્તી બાબતે ચિત્ર ફૂલગુલાબી નથી.

નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના આંકડા કહે છે: વર્ષ 2019થી 2021 દરમિયાન જે સર્વે થયેલો તેમાં જણાયું છે કે, દેશમાં 15થી 49 વર્ષની વયની 18.7 ટકા મહિલાઓનો બોડી માસ ઈન્ડેક્સ (BMI) સામાન્યથી ઓછો છે. સરેરાશ 57 ટકા મહિલાઓ એનીમિયાથી પીડિત છે, એટલે કે લોહીની કમી છે. આ બાબતમાં સરેરાશની સરખામણીએ ગુજરાત પ્રથમ ક્રમે છે! રાજ્યની 65 ટકા મહિલાઓમાં લોહીની કમી છે.
બાળકોમાં કુપોષણની સ્થિતિઓ: ગુજરાતમાં 40.8 ટકા બાળકોમાં ઠીંગણાપણું દેખાય છે. 7.8 ટકા બાળકો દૂબળાં છે. 21 ટકા બાળકોનું વજન સરેરાશ કરતાં ઓછું છે. જો કે, દેશમાં અન્ય માત્ર બે જ રાજ્યો એવા છે જ્યાં પણ ગુજરાતની માફક મહિલાઓમાં લોહીની વધુ કમી છે, આ રાજ્યો છે પશ્ચિમ બંગાળ અને લડાખ.(Symbolic image)
