Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લામાં વધુ એક વખત ફાયરિંગનો બનાવ બન્યો હોવાનું એક ફરિયાદમાં કહેવાયું છે. આ હુમલામાં છરીનો પણ ઉપયોગ થયો અને પથ્થરોના છૂટાં ઘા પણ થયા, એમ ફરિયાદી કહે છે. કુલ 4 શખ્સો વિરુદ્ધ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં આ ફરિયાદ દાખલ થઈ છે. મામલો ફટાકડાના ઝઘડામાં બન્યો હોવાનું બહાર આવ્યું છે.
કાલાવડ તાલુકાના હરિપર મેવાસામાં રહેતાં ખેડૂત ફીરોઝ કાસમભાઈ હાલાણી(45)એ ગત્ રાત્રે 2 વાગ્યે, પોલીસમાં એમ જાહેર કર્યું છે કે, ગત્ રાત્રે સવા દસ વાગ્યા આસપાસ તેમના એટલે કે ફરિયાદીના ઘર નજીક 4 શખ્સોએ સાહેદો પર હુમલો કર્યો. આ હુમલામાં બંદૂક જેવા કોઈ હથિયારમાંથી ફાયરિંગ પણ થયું. અને, એક આરોપીએ છરી વડે ઝપાઝપી કરી હતી. ફરિયાદમાં જણાવાયા અનુસાર, આ બનાવ શેરીમાં ફટાકડા ફોડવા બાબતે થયેલાં ઝઘડા દરમિયાન બન્યો.
આ ફરિયાદમાં આરોપીઓ તરીકે તૈયબભાઈ હાલેપૌત્રાના બે પુત્ર યુનુસ અને આસિફ ઉપરાંત આમીન યુનુસભાઈ હાલેપૌત્રા તથા મામદ નાથાભાઈ સમાના નામો જાહેર થયા છે. જે બધાં હરિપર મેવાસા ગામમાં રહે છે. આરોપીઓ પૈકી યુનુસ હાલેપૌત્રાએ બે નાળચાવાળી બંદૂકથી ફાયરિંગ કરેલું અને મામદ સમાએ પણ ફાયરિંગ કરેલું એમ જણાવી ફરિયાદીએ કહ્યું કે, મામદ સમા પાસેનું હથિયાર ઓળખી શકાયું ન હતું. આમ, આ બનાવમાં 2 અલગ-અલગ હથિયારો વડે ફાયરિંગ થયાનું જાહેર થયું છે. કાલાવડ પોલીસે આ ચાર આરોપીઓ વિરુદ્ધ BNS કલમ-109, 115(2), 352, 351(2)(3), 125(a) તથા આર્મ્સ એક્ટ કલમ-25(1b)a, 27 તથા GP એક્ટ કલમ-135(1) મુજબ ગુનો દાખલ કર્યો છે.
હરિપર મેવાસાના ફાયરિંગના આ બનાવમાં કુલ પાંચ વ્યક્તિઓને જુદાં જુદાં કારણોસર ઈજાઓ પહોંચી છે જેમાં 3 મહિલાઓનો પણ સમાવેશ થાય છે અને આ પાંચેય ઈજાગ્રસ્તોને ગત્ રાત્રે તાકીદની સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એક ઈજાગ્રસ્ત એવું પણ બોલ્યા છે કે, મુખ્ય આરોપી યુનુસભાઈને પૈસાનો પાવર છે, પૈસો પાથરી બચી જવાનું તેને અભિમાન છે અને અગાઉ પણ આ આરોપીએ હત્યા પ્રયાસ કર્યાની જેતે સમયે તેની સામે ફરિયાદ થયેલી. આ બનાવમાં તમંચાનો પણ ઉપયોગ થયાનું ઈજાગ્રસ્તે જણાવ્યું હતું.
મહત્વનું છે કે છેલ્લા કેટલાય સમયથી જામનગર શહેર અને જીલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ખાડે ગઈ છે અને ગુન્હેગારો જેને ગુન્હા આચરવા છે તેને કોઈના બાપની બીક ના હોય તે રીતે બેફામ બની ગુન્હાઓ આચરી રહ્યા છે, તાજેતરમાં જ જામનગરમાં યુવતી પર દુષ્કર્મ હત્યા અને ચોરીના બનાવો પોલીસની આબરુનું ધોવાણ કરી રહ્યા છે.એવામાં સામાન્ય બોલાચાલીમાં જો વાત ફાયરીંગ સુધી પહોચી જાય તો આ ઘટના એ સ્પષ્ટ કરે છે ગુન્હો કરનારને પોલીસનો કેટલો ભય છે.