Mysamachar.in-જામનગર:
જામનગર એક વિશિષ્ટ શહેર છે. અહીં જન્માષ્ટમી અગાઉ લોકમેળો પરવાનાઓ વિના ધમધમવા લાગ્યો હતો. અને વિવાદ પણ થયેલો. પછી સૌએ ગોઠવણ કરી લીધી હતી. આ વખતે દીવાળી તહેવારોમાં પણ આમ બન્યું છે ! શહેરમાં અસંખ્ય ધંધાર્થીઓ પરવાનાઓ વિના ફટાકડાઓ વેચી રહ્યા હોવાનું સમજાઈ રહ્યું છે. જે પૈકી અમુક પાસે જ ફાયર NOC છે, ધારો કે એકાદ બે સ્થળે તહેવારોમાં આગ ફાટી નીકળે તો .? અને ધારો કે જાનહાનિ પણ થાય, તો ?!
શહેરમાં પ્રદર્શન મેદાન ઉપરાંત દરબારગઢ વિસ્તાર, દિગ્વિજય પ્લોટ વિસ્તાર તથા ડીકેવી કોલેજ વિસ્તાર તેમજ ત્રણબતી સહિતના વિસ્તારોમાં ઠેરઠેર ફટાકડાઓ વેચાણ થઈ રહ્યા છે. ઘણાં બધાં સ્ટોલ ગોઠવાઈ ગયા છે અને રેંકડીઓનો તો પાર નથી.સૂત્રના જણાવ્યા અનુસાર, આખા શહેરમાં માત્ર 168 ધંધાર્થીઓએ જ ફટાકડાઓ વેચવાનો પરવાનો લીધો છે. અમુકે અરજીઓ કરી છે પરંતુ પરવાનો નથી. અમુક ધંધાર્થીઓએ તો પરવાનો મેળવવા અરજીઓ પણ કરી નથી. અને આ 168 પરવાનેદારો પૈકી માત્ર 34 પરવાનેદારોને જ ફાયર NOC આપવામાં આવ્યું છે.
બાકીના ધંધાર્થીઓને ત્યાં હજુ ચેકિંગ પણ થયું નથી. અને જે ધંધાર્થીઓ પરવાના તથા ફાયર NOC વિના જ ફટાકડાઓ વેચી રહ્યા છે, ત્યાં આગ લાગે તો જવાબદાર કોણ ?! અને ધારો કે આગ દરમિયાન જાનહાનિ થઈ તો ?! ખરેખર તો ફટાકડાઓના દરેક ધંધાર્થીઓ પાસે પરવાનો હોવો જોઈએ. ફાયર NOC પણ ફરજિયાત હોય છે. કેમ કે આ આખો મુદ્દો એક્સપ્લોઝિવ એકટ અંતર્ગત આવે છે. આ ખૂબ જ જોખમી અને ભયાનક વિષય છે. અને તહેવારોમાં ફટાકડાઓના સંગ્રહ અને વેચાણના સ્થળોએ આગ લાગવાના બનાવો પણ નોંધાતા હોય છે, આ સ્થિતિમાં કાંઈ નવાજૂની થશે તો જવાબદારીઓ કોની ?!
ફટાકડાઓ વેચાણ બાબતમાં જયાં સુધી બધી જ કાયદાકીય પ્રોસેસ પૂર્ણ ન થાય, સ્થળતપાસ ન થાય, સ્થળતપાસ બાદ ફાયર NOC ન આપવામાં આવે ત્યાં સુધી, શહેરમાં કોઈ પણ સ્થળોએ ફટાકડાઓનું વેચાણ થવું જ ન જોઈએ. કેમ કે આગ લાગે તો ધંધાર્થીઓ ઉપરાંત ગ્રાહકો કે રાહદારીઓ અથવા વાહનચાલકો કે ફટાકડાઓના ધંધાર્થીઓની નજીક અન્ય વ્યવસાય કરતાં કોઈ પણ વેપારીઓ પણ આગની લપેટમાં આવી શકે છે.
આ આખો વિષય આટલો બધો ગંભીર અને ભયાનક રીતે જોખમી હોવા છતાં ફટાકડાઓની બજારો આડેધડ કોઈની મંજૂરી વિના જ ચાલુ થઈ ગઈ તે અતિશય ગંભીર બાબત છે. આ મુદ્દે માય સમાચાર ડોટ ઈન દ્વારા શહેર SDM નો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો, તેઓએ સ્પષ્ટ રીતે જણાવ્યું કે, ફટાકડાઓ વેચાણ માટેના લાયસન્સ અને અરજીઓ અંગેની વિગતો તેમની પાસે હાલ ઉપલબ્ધ નથી !!