Mysamachar.in:જામનગર
જામનગરમાં વિવિધ પોલીસ ડિવિઝન હેઠળનાં વિસ્તારોમાં પોલીસ દ્વારા દિવસના ભાગમાં અને ઘણી વખત રાત્રે પણ ચેકીંગ ડ્રાઈવ યોજવામાં આવતી હોય છે અને ઘણાં વાહનચાલકોને વિવિધ કારણસર તથા ગુનાસર દંડવામાં પણ આવતાં હોય છે પરંતુ આ પ્રકારની ડ્રાઈવ દરમિયાન કેટલાંક સ્પોર્ટ્સ બાઈકસનાં ચાલકો અથવા મોંઘીદાટ બાઈકસનાં ઘણાં ચાલકો બચી જતાં હોય છે ! આમ કેમ ?! પોલીસ બેખબર હોય છે ?!
શહેરમાં જોગર્સ પાર્ક, પંચવટી, સરૂ સેકશન તથા પાર્ક કોલોનીમાં તથા હોસ્પિટલ રોડ સહિતના ઘણાં વિસ્તારોમાં મુખ્ય માર્ગ પર અને રહેણાંક વિસ્તારમાં પણ, રાત્રિનાં શાંતિના સમયે તથા ઘણાં કિસ્સાઓમાં દિવસનાં સમયે, ખાસ કરીને બપોરે તથા સાંજના સમયે કેટલાંક સ્પોર્ટ્સ બાઈકસનાં ચાલકો અને મોંઘીદાટ બાઈકસનાં ચાલકો તેમજ ઘણાં લોકો બાઈકસનાં સાયલેન્સરમાં જરૂરી ફેરફાર કરાવી – આ વાહનોનાં સાયલેન્સરમાં ફટાકડાઓ ફૂટી રહ્યા હોય એવાં અવાજો સાથે આ પ્રકારના બાઈકસ બેફામ ઝડપે ચલાવતાં હોય છે જેને કારણે આ પ્રકારના કિસ્સાઓમાં સેંકડો નગરજનો ગભરાટની તથા ડરની સ્થિતિ અનુભવતાં હોય છે. ખાસ કરીને વૃદ્ધો, બિમાર લોકો, મહિલાઓ અને બાળકો ખૂબ જ ગભરાઈ જાય છે ! આ પ્રકારના બાઈકસ દ્વારા થતાં અવાજો અને આ બાઈકસની ગતિ બેફામ હોય છે. કાગળો તપાસતી વખતે ડ્રાઈવ દરમિયાન પોલીસ આ પ્રકારના બાઈકસ વિરૂધ્ધ પણ કાર્યવાહી હાથ ધરે, એવી લોકલાગણી નગરજનોમાં જોવા મળી રહી છે.