Mysamachar.in:જામનગર:
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ફાયર પ્રિવેન્શન સિસ્ટમ ચકાસણીઓ મુદ્દે સૌ દોડધામ કરી રહ્યા છે. દરમિયાન, બહાર આવ્યું કે- જામનગર શહેરમાં મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ હસ્તકની જે શાળાઓ છે તે પૈકી માત્ર 2 શાળા ઈમારત ફાયર NOC ધરાવે છે. બાકીની 27 ઈમારતો આ પ્રમાણપત્ર ધરાવતી નથી. આ મહાનગરપાલિકા પોતાની શાળાઓની સ્થિતિ અંગે આટલાં સમયથી ચિંતિત નથી અને શહેરમાં અન્ય ખાનગી ઈમારતોની ચકાસણીઓ કરી રહી હોય, જામનગર મહાનગરપાલિકાની મશ્કરી થઈ રહી છે.
અત્યંત આધારભૂત સૂત્ર ત્યાં સુધી જણાવે છે કે, ખુદ મહાનગરપાલિકાની ફાયર શાખાના અમુક રિપોર્ટ અનુસાર મહાનગરપાલિકાની ખુદની શૈક્ષણિક સંસ્થાઓમાં ફાયર મુદ્દે લાલિયાવાડીઓ ચાલી રહી છે. તે દરમિયાન સતાવાર રીતે પણ જાહેર થયું કે, બે બિલ્ડીંગને બાદ કરતાં કોર્પોરેશનના શાળા બિલ્ડીંગો પાસે ફાયર NOC જ નથી. અને, સૂત્ર એમ પણ જણાવે છે કે, મહાનગરપાલિકામાં શાળાઓનો ફાયર મામલો, કોર્પોરેશનની જ ફાયર શાખાના એક કર્મી હસ્તક ચાલી રહ્યો છે. જે આ કોન્ટ્રાક્ટ ધરાવે છે !!

મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘ-જામનગરના પ્રમુખ ચંદ્રકાંત ખાખરિયા દ્વારા કમિશનરને પહેલી જૂને પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં લખાયું છે કે, કોર્પોરેશનની શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં ફાયર કામગીરીઓ માટે કોર્પોરેશને એક એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો છે. આ એજન્સી દ્વારા શાળાઓમાં ફાયર પ્રિવેન્શન સંબંધે થયેલી અને થઈ રહેલી કામગીરીઓ અંગે મહાનગરપાલિકા તથા ફાયર શાખાએ જાગૃત રહી કેટલાંક મુદ્દાઓ તપાસવા જોઈએ.
પત્રમાં લખાયું છે કે, સમિતિ હસ્તકની શાળાઓનાં બિલ્ડીંગોમાં એજન્સીએ ફાયર સિસ્ટમમાં જે સાધનોનો ઉપયોગ કર્યો છે તે ચીજો ISI માર્કો ધરાવે છે ? શાળાઓને જરૂરિયાત મુજબ ફાયર સંબંધિત બાટલાં પૂરતાં પ્રમાણમાં આપવામાં આવ્યા છે ? શાળાઓમાં પાણીની ટાંકીઓ તથા પાણીની પાઈપલાઈનના કનેક્શન કાર્યરત છે ? શાળાઓમાં ફાયર એલાર્મ સિસ્ટમ કાર્યરત છે ? અને, આ શાળાઓ ફાયર NOC અંગેના પ્રમાણપત્રો ધરાવે છે ? સરકારમાં આવા સર્ટિફિકેટ જમા થયેલાં છે ? વગેરે બાબતો આ પત્રમાં છે. આ બધી બાબતોની ચકાસણીઓ માટે કમિશનરે સંબંધિતોને સૂચનાઓ આપવી જોઈએ.
-શાસનાધિકારી આ બાબતે કહે છે..
આ બધી બાબતો અંગે જામનગર મહાનગરપાલિકા અને શિક્ષણ સમિતિમાં છેલ્લી સ્થિતિ શું છે, તે જાણવા Mysamachar.in દ્વારા આજે સોમવારે શાસનાધિકારી ફાલ્ગુની પટેલનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો. તેઓએ જણાવ્યું: દરેક શાળાઓના આચાર્યને આ અંગે સૂચનાઓ આપી ફાયર સંબંધિત વિગતો મંગાવવામાં આવેલી. વિગતો આવી છે. આ અહેવાલ કમિશનરને સોંપવામાં આવ્યો છે. આ બાબતે કમિશનર કક્ષાએથી આદેશ થશે. વાતચીત દરમિયાન શાસનાધિકારીએ સ્વીકાર્યું કે, શહેરમાં સમિતિ હસ્તકની કુલ શાળાઓ 44 છે જે કુલ 29 ઈમારતમાં બેસે છે, તે પૈકી 2 ઈમારત (શાળા નંબર 27/51 બેડેશ્વર, શાળા નંબર 30 જોડિયાભૂંગા) પાસે ફાયર NOC છે.
(symbolic image source:google)
