Mysamachar.in-અમદાવાદ:
અમદાવાદના શાહપુર વિસ્તારના એક રહેણાક મકાનમાં આજે સવારે એક આગની ઘટના સામે આવી છે, આ આગમાં પરિવારના ત્રણ લોકો ભડથુ થઈ ગયા હતા. પરિવારના બાળક અને પતિ પત્નીનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. અમદાવાદના શાહપુર દરવાજા પાસે આવેલા ન્યુ એચ કોલોનીમાં આવેલા મકાનમાં આગ લાગી હતી. વહેલી સવારે 4.30 કલાકે આગ લાગી હોવાનું અનુમાન છે, જોકે આ આગ કેવી રીતે લાગી તે હજી જાણવા મળ્યુ નથી. ત્રણેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલી ન્યુ એચ. કોલોનીના એક મકાનમાં આજે વહેલી સવારે આગ લાગતા પતિ- પત્ની અને આઠ વર્ષના બાળકનું મોત નીપજ્યું છે. પરિવાર જ્યારે ઘરમાં સૂતો હતો, ત્યારે વહેલી સવારે કોઈ કારણોસર આગ લાગતા ઘરમાં ધૂમાડો ફેલાઈ ગયો હતો.ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ચારથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જોકે ત્યાં પહોંચ્યા બાદ જોતાં રૂમમાં ધુમાડો હતો અને પતિ પત્ની અને એક બાળકની લાશ ફાયર બ્રિગેડને મળી આવી હતી. આ મામલે પોલીસને પણ જાણ કરવામાં આવતા શાહપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી ત્યારે મકાનમાં ગાદલામાં આગ ચાલુ હતી, જેને ફાયર બ્રિગેડ એ બૂઝાવી હતી, જો કે ઘરમાં જોતા ખૂબ જ ધુમાડો હતો અને ત્યાં જોતા એક બાળક સહિત ત્રણ લોકો મૃત હાલતમાં પડ્યા હતા. જયેશભાઈ વાઘેલા તેમના પત્ની અને બાળક સાથે આ મકાનમાં રહેતા હતા અને વહેલી સવારે કોઈ કારણોસર ઘરમાં આગ લાગી હતી અને રૂમમાં ફેલાઈ ગઈ હતી. ઘટનામાં જયેશ વાઘેલા ઉંમર વર્ષ 40, હંસાબેન વાઘેલા ઉંમર વર્ષ 35, અને રેહાન વાઘેલા ઉંમર વર્ષ 8 નું કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ છે.
જયેશભાઈ અને તેમનો પરિવાર વહેલી સવારે જ્યારે ઊંઘમાં હતો,. ત્યારે જ આગ લાગી હતી અને કદાચ તેઓને જાણ જ થઈ ન હતી કે આગ લાગી છે. ઘરમાં ધુમાડો થઈ ગયો હતો અને પતિ પત્ની અને બાળક બહાર નીકળે તેની પહેલાં જ તેઓના મોત થઈ ગયા હતા. અને આમ પરિવારના ત્રણેય સભ્યોને ઘરની બહાર નીકળવાનો મોકો જ મળ્યો ન હતો અને તેઓ આગમાં લપેટાઈ ગયા હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.