જામનગરમાં અત્યારે સૌ પ્રદર્શન મેદાનમાં કાર્યરત હંગામી એસટી ડેપોમાં વ્યસ્ત છે ત્યારે, જૂના એસટી ડેપોને ડિમોલીશ કરી તે જગ્યાએ નવા એસટી ડેપો અને વર્કશોપનું જે નિર્માણ થઈ રહ્યું છે તેમાં ચૂપચાપ રીતે ભ્રષ્ટાચારનું ‘ભરત’ ભરાઈ ગયું હોવાની સ્થિતિઓ નજરે ચડી રહી છે !
જામનગરમાં નવા એસટી ડેપો અને વર્કશોપનું હાલ કરોડોના ખર્ચે નિર્માણ ચાલી રહ્યું છે. અહીં 2 માળનો સુવિધાસભર ડેપો બનાવવાની જાહેરાત અગાઉ થયેલી છે. જેને કારણે હંગામી ડેપો પ્રદર્શન મેદાનમાં છે અને જૂના ડેપોના સ્થાને નવો ડેપો બની રહ્યો છે. હાલ કોલમ ઉભા કરવાનું કામ અને પ્લીન્થ ભરવાની કામગીરીઓ ચાલી રહી છે.
પ્લીન્થ સિમેન્ટ કોંક્રીટનું એવું સ્ટ્રક્ચર હોય છે જે કોલમોને મજબૂતી અને સપોર્ટ આપે છે તથા આ સ્ટ્રક્ચર સમગ્ર ઈમારતનો જમીન પરનો પાયો હોય છે. આ સ્ટ્રક્ચર યોગ્ય રીતે બનાવવામાં ન આવે તો તેના પર બનનાર ઈમારત નબળી બને, ઈમારતનું આયુષ્ય પણ ઘટે અને અમુક કેસમાં આવી ઈમારત ધસી પણ પડે ! એસટી ડેપોની ઈમારત કે ઈમારતનો કોઈ ભાગ ધસી પડે તો કેવી ભયાનક દુર્ઘટના સર્જાઈ શકે એ સમજી શકાય એવી વાત છે.
આમ છતાં હાલ આ એસટી ડેપોના નિર્માણને નબળું રાખવામાં આવ્યું છે ! અહીં જમીન નીચે ઉતરી જવાને કારણે પાયાના આ બીમ વાંકાચૂકા અને ઢળેલા દેખાઈ રહ્યા છે, કોલમ બીમના સાંધા અત્યારે ચાલુ કામમાં જ તૂટી ગયેલા દ્રશ્યમાન થઈ રહ્યા છે ! કોન્ટ્રાક્ટરને લોકોના જાનમાલની કોઈ કિંમત નથી ?! અને, જવાબદાર સત્તાવાળાઓ એટલે કે સુપરવિઝન કરતાં ઈજનેરો અને અધિકારીઓ આટલું નબળું કામ શા માટે ચલાવી રહ્યા છે ?! આજે સવારે Mysamachar.in ના કેમેરા દ્વારા કામની આ બધી જ નબળાઈઓ કેમેરામાં કેદ કરી લેવામાં આવી છે. આ નબળાં કામ અંગે કહી શકાય કે, જવાબદાર ઈજનેરો અને બાંધકામ વિભાગના તથા એસટીના અધિકારીઓએ આ સમગ્ર મામલાની તપાસ કરવી જોઈએ, ક્યાં, શું ખામીઓ રહી ગઈ છે તે તપાસવું જોઈએ. જો હાલના પાયાના તબક્કે બેદરકારીઓ દાખવવામાં આવશે તો ઈમારત પણ નબળી બનશે, કરદાતાઓના નાણાંનો વેડફાટ થશે અને ભવિષ્યમાં જિવલેણ દુર્ઘટના પણ આકાર લઈ શકે- આ બધી જવાબદારીઓ અત્યારથી ફીક્સ થવી જોઈએ. લોકોના નાણાંનો સારી રીતે ઉપયોગ થવો જોઈએ અને કામમાં ક્વોલિટી જાળવી, કામ મજબૂત કરવું જોઈએ. આ નબળું બાંધકામ કોઈ તપાસતું નહીં હોય- એવી પણ શંકાઓ સપાટી પર આવી છે. કારણ કે કામની નબળી ક્વોલિટી સ્પષ્ટ રીતે, નજરે જોઈ શકાય છે !!