Mysamachar.in-ગુજરાત
આજના સમયમાં વ્હોટ્સએપ નો ઉપયોગ કોણ નહિ કરતુ હોય તે શોધવું મુશ્કેલ છે, ત્યારે કંપની પણ પોતાના ફીચર્સમાં સમયાંતરે નવા નવા ફેરફારો કરતી રહે છે, વ્હોટ્સએપનો ઉપયોગ કરતા કેટલાક લોકો બિનજરૂરી મેસેજને કારણે ઘણીવાર કંટાળી જાય છે, અને નકામાં મેસેજ ડીલીટ કરવામાં સમય વેડફતા લોકો માટે સમય બચી જશે તેવા સારા સમાચાર વ્હોટ્સએપ તરફથી આવી રહ્યા છે,
આજની વ્યસ્ત જીવનશૈલીમાં ઘણીવાર એવું બનતું હોય છે કે આપણને વ્હોટ્સએપમાંથી કામ વગરના મેસેજ ડિલિટ કરવાનો ટાઇમ નથી મળતો. મહિનાઓ જૂના મેસેજ પડ્યા હોવાથી એ ફોનમાં જગ્યા તો રોકે જ છે અને સાથે સ્ટોરેજની સમસ્યા પણ ઊભી કરે છે. અને હા વ્હોટ્સએપ એના યુઝર્સ માટે એક નવું ફીચર લાવી રહ્યું છે.
વ્હોટ્સએપ ઘણા સમયથી એના ડિસઅપિયરિંગ ફીચર પર કામ કરી રહ્યું છે. ડિયઅપિયરિંગ ફીચર આવ્યા બાદ યુઝર્સને સાત દિવસ પછી ચેટમાંથી જાતે જ મેસેજ કાઢી નાખવાની સુવિધા મળશે. વ્હોટ્સએપ ટૂંક સમયમાં જ આ ફીચરને રોલઆઉટ કરવા જઈ રહ્યું છે. વ્હોટ્સએપે આ વિશે જાણકારી તેના FAQ પેજ પર આપી છે. કંપનીના જણાવ્યા મુજબ, એન્ડ્રોઇડ અને IOS યુઝર્સ બંનેને ડિયઅપિયરિંગ મેસેજનું ફીચર મળશે.
આ સાથે જ તે કાઇઓસ, વ્હોટ્સએપ વેબ અને એની ડેસ્કટોપ આધારિત એપ્લિકેશન્સ પર પણ મળશે. વ્હોટ્સએપનો આ મેસેજ ડિસઅપિયરિંગ ફીચર ઇન્ડિવિઝ્યુઅલ ચેટ અને ગ્રુપ ચેટ બંને માટે રહેશે. જો કે ગ્રુપ ચેટમાં માત્ર એડમિન જ આ ફીચરનો ઉપયોગ કરી શકશે તેમજ આ ફીચર ફોર્વર્ડેડ મેસેજ પર કામ નહીં કરે. આ સાથે જ મેસેજ ડિસઅપિયરિંગ ફીચર દ્વારા યુઝર્સ મેસેજ કોપી કરીને સેવ કરી શકશે.
તો ફીચર ના વપરાશ વિશેની વાત કરીએ તો આ ફીચરને કાર્યરત કરવા પર અગાઉ મોકલેલા અથવા રિસીવ કરેલા મેસેજ પર કોઈ અસર નહીં પડે. યુઝર સરળતાથી આ ફીચરને ઓન અને ઓફફ કરી શકશે, એટલે કે જો યુઝર તેનાં ચેટને ડિલિટ કરવા નથી માગતો તો તેણે આ ફીચરને ડિસેબલ કરવું પડશે, પરંતુ જો તે ઇચ્છે છે કે મેસેજ 7 દિવસ પછી આપમેળે ડિલિટ થઈ જાય તો યુઝર્સે આ ફીચરને એનેબલ કરીને ચેટ કરવું પડશે અથવા ઓડિયો અને વિડિયો મોકલવા પડશે.
જો કોઈ યુઝર મોકલેલા મેસેજને સાત દિવસની અંદર ઓપન ન કરે તો પણ મોકલેલા મેસેજ એટલે કે અનરીડ મેસેજ ડિલિટ થઈ જશે. જોકે એ મેસેજ બહાર ડિસ્પ્લે થશે, પરંતુ જ્યારે એ ચેટને ઓપન કરીને મેસેજ વાંચવાનો પ્રયત્ન કરશે તો એ મેસેજ તેને વાંચવા નહીં મળે. આ મેસેજને યુઝર માત્ર નોટિફિકેશનમાં પ્રિવ્યુ તરીકે જ જોઈ શકશે.આમ આ ફેરફાર નજીકના ભવિષ્યમાં જ કાર્યરત થશે.