Mysamachar.in-જામનગર
રાજસ્થાનના એક વ્યક્તિને જામનગર જિલ્લાના ધ્રોલ નજીકના સોયલ ટોલનાકા વિસ્તારમાં 3 શખ્સો ભટકી ગયા. જેણે પોતાની ઓળખ ફાઇનાન્સના કર્મચારીઓ તરીકેની આપી, આ મામલાના ફરિયાદી પાસેથી રૂ. 75,000 બળજબરીથી પડાવી લીધાં છે અને કાર પણ આંચકી લઈ રાજકોટના એક પાર્કિંગમાં પાર્ક કરાવી દીધી.
રાજસ્થાનના રાહુલરંજન વિજયકુમાર ચંદ્રવંશીએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદીએ ફરિયાદમાં એમ જણાવ્યું છે કે, 3 શખ્સોએ પોતાની કાર મારી કાર સાથે અથડાવી હતી. બાદમાં મારી કાર આડે પોતાનું વાહન ઉભી રાખી, મારી કાર આ શખ્સોએ આંચકી લીધી છે. મારી પાસેથી રોકડા રૂપિયા 35,000 તથા અન્ય રૂ. 40,000 ઓનલાઈન બળજબરીથી પડાવી લીધાં છે. આ શખ્સોએ મને એમ કહેલું કે, તેઓ ફાઇનાન્સ કંપનીમાંથી આવે છે અને તમારાં કારલોનના હપ્તા ચડી ગયા છે. મારી પાસેથી જે નાણાં આ શખ્સોએ આંચકી લીધાં છે તે નાણાં તેમની કારને જે નુકસાન થયું છે, તેના માટે લીધાં છે. હકીકતમાં આ શખ્સોએ મારી કાર સાથે પોતાની કાર અથડાવી હતી.
આ 3 શખ્સો સાથેની વાતચીત દરમ્યાન આ ફરિયાદીને આ શખ્સોના નામોની જાણકારીઓ મળી, એમ ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું છે. ફરિયાદીએ આ મામલામાં આરોપીઓ તરીકે જયપાલસિંહ રણજિતસિંહ ઝાલા, બ્રિજરાજસિંહ અને વસીમ એમ 3 નામ લખાવ્યા છે. આ મામલામાં આ ફરિયાદીએ છેક DGP સુધી વોટ્સએપ મારફતે ફરિયાદ કર્યાનું જણાવ્યું છે.