Mysamachar.in: જામનગર
સમગ્ર દેશમાં વાજતેગાજતે એવી જાહેરાત થયેલી કે, હવે ખેતી માટેના ખાતરને ‘નીમ કોટેડ’ બનાવવામાં આવી રહ્યું છે એટલે આ ખાતર હવે ગેરકાયદેસર રીતે ઉદ્યોગોમાં જતું અટકશે અને લાભાર્થી ખેડૂતો સુધી પૂરતા પ્રમાણમાં પહોંચશે. સરકારનો આ વિશ્વાસ ખરો સાબિત થયો નથી, ખેડૂતો કહે છે ખાતર મળતું નથી અને બીજી તરફ ખેતી માટેનું ખાતર ઉદ્યોગપતિઓ કાળા બજારમાંથી ખરીદી રહ્યા છે. આ મામલો વધુ એક વખત બહાર આવી ગયો.
સમગ્ર ગુજરાતમાં ખરીફ ખેતીની આ પિક સિઝનમાં ખેડૂતો ખાતરની ડિમાંડ કરી રહ્યા છે. આવા સમયે રાજ્યમાં અમુક સ્થળોએથી ખાતરના કાળાબજાર થઈ રહ્યા છે કારણ કે તેમણે અગાઉથી સંઘરો કરી લીધો હતો. અને એવી પણ વિગતો બહાર આવી રહી છે કે કાળાબજારમાં વેચાણ થતું આ ખાતર ખેડૂતોને બદલે ઉદ્યોગપતિઓ પાસે પહોંચી રહ્યુ છે !
અત્યંત આધારભૂત સૂત્ર કહે છે, આ સંબંધે જામનગર અને ભાવનગરમાં બે મોટા ડીલરને સાણસામાં લેવામાં આવ્યા છે. જો કે જાણકારો તો એમ પણ કહે છે કે, આ તો સમગ્ર કૌભાંડનો એક નાનો હિસ્સો બહાર આવ્યો. આખું કૌભાંડ તોતિંગ હોવાની શકયતાઓ છે. આ વિગતો સરકાર સુધી પહોંચી જતાં CMની સીધી સૂચનાથી આ કૌભાંડની તપાસ ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડના એમ.ડી. વિજયકુમાર ખરાડી(પૂર્વ કમિશનર, જામનગર મહાનગરપાલિકા)ને સોંપી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે.
નામ નહીં આપવાની શરતે એક અધિકારી કહે છે: આ મામલે જામનગર ફર્ટિલાઈઝર ડીલર એસોસિએશન અને ભાવનગરના એક ફેડરેશનની ભીંસમાં લેવાયુ છે. એમના સ્ટોક અને હિસાબોની તપાસ થઈ રહી છે. સરકારે ખાતર ઉત્પાદક કંપનીઓને એવી પણ સૂચનાઓ આપી કે, આ બે સંસ્થાઓને હવે ખાતર આપશો નહીં. આ સંસ્થાઓના ચોપડામાં ‘બોગસ’ એન્ટ્રીઓ મળી આવી છે. સ્ટોકમાં ઘાલમેલ છે. આ સંસ્થાઓને શો-કોઝ નોટિસ આપવામાં આવી છે. જેનો ખુલાસો આપવો પડશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ખેતી માટેનું આ ખાતર ટાઈલ્સ, રેઝિન, પ્લાસ્ટિક, કેમિકલ્સ, સોલવન્ટ અને પ્લાયવુડ જેવા ઉદ્યોગમાં પગ કરી જાય છે, જેને કારણે હજારો ખેડૂતો ખાતરથી વંચિત રહે છે, ખાતર માટે ધક્કા ખાતા હોય છે. રાજ્યમાં ખાતરના 20,000 ડીલર છે. રાજ્યના કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્મા એવું ગાણું ગાઈ રહ્યા છે કે, તપાસ ચાલુ છે. તપાસ પૂર્ણ થઈ જાય પછી વિગતો આપી શકાય.
*જામનગરનું ખાતર એસોસિએશન શું કહે છે ?…*
આજે સવારે Mysamachar.in દ્વારા જામનગર ફર્ટિલાઈઝર ડીલર એસોસિએશનની ઓફિસનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. અહીં એક અર્થમાં સન્નાટો છે, કોઈ કશું બોલવા રાજી નથી. બીજી તરફ આ ઓફિસમાં ગેબી હિલચાલ થઈ રહી છે, શું દોડધામ ચાલી રહી છે, એ પ્રશ્નના જવાબમાં સૌ મૂંગા બની ગયા છે. લાગે છે કે, ગાંધીનગરથી કડવી ગોળી આવી છે એટલે સૌના મોઢા બગડી ગયા છે.