Mysamachar.in-સુરત
રાજ્યભરના પોલીસબેડામાં ચકચાર મચાવનાર સુરત મહિલા પીએસઆઈ આપઘાત કેસમાં મૃતક પીએસઆઈ ના પિતા દ્વારા પુત્રીના સાસરિયાઓ વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી, જે ઘટનામાં તપાસનીશ પોલીસ ટીમે ઉધના પીએસઆઈ અમિતા જોષીને આત્મહત્યા માટે મજબુર કરનાર તેના પતિ સહિતના સાસરિયાઓને ગારિયાધાર અને ભાવનગરથી ઝડપાયા છે. પીએસઆઈ અમિતા જોષીએ પખવાડિયા પહેલા ફાલસાવાડી પોલીસ લાઈનમાં આત્મહત્યા કરી હતી. કોન્સ્ટેબલ પતિ વૈભવ અને સાસુ-સસરા તેમજ નણંદો મિલકત માટે અને પગાર માટે અમિતાને ત્રાસ આપતા હતા. સાસરિયાઓ મકાન વૈભવના નામે કરવાનું કહેતા હતા. અવાર-નવાર રૂપિયા માંગતા હતા. પગારનો હિસાબ માંગતા હતા. અમિતા પોતે મોંઘી કાર અને પતિ સામાન્ય કાર વાપરતો હોવાથી પતિ વૈભવને અપમાન લાગતું હતું. વૈભવના અન્ય સ્ત્રી સાથે આડા સંબંધો હોવા સહિતની બાબતો સામે આવી હતી,
અને આ મામલે અમિતાના પિતાએ મહીધરપુરા પોલીસમાં અમિતાનો પતિ વૈભવ, સસરા જીતેશ, સાસુ હર્ષા, નણંદ મનિષા અને નણંદ અંકિતા વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી. તમામ આરોપીઓ નાસી ગયા હતા. ફરિયાદી તરફથી પોલીસને વૈભવના આડા સંબંધોનું રેકોર્ડિંગ સોંપવામાં આવ્યું હતું. આરોપીઓ સુરતથી ભાગ્યા ત્યારે તમામ સામાન લઈને નાસી ગયા હતા. છેલ્લા ત્રણેક દિવસથી મહિધરપુરા પોલીસની ટીમો સૌરાષ્ટ્રમાં આરોપીઓને શોધતી હતી. ગારિયાધાર અને ભાવનગરથી પોલીસે પાંચેયને ઝડપી સુરત પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.