Mysamachar.in-અમદાવાદ:
જામનગર સહિત સમગ્ર રાજયમાં ખાનગી પ્રાથમિક અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી વસૂલવામાં આવતી ફી સંવેદનશીલ મુદ્દો હોવા છતાં વાલીઓ અને વાલીમંડળોમાં આ મુદ્દે જરૂર સંગઠન અને અસરકારકતા ન હોવાને કારણે ખાનગી શાળાઓના સંચાલકો લૂંટ ચલાવી શકે છે, આ આખી સિસ્ટમને કાયદેસરના વાઘા પહેરાવવા તથા શાળાઓના સંચાલકોને સુવિધાઓ કરી આપવા માટેની હિલચાલ ચાલી રહી છે, જે અંગે કયાંય કશો ઉહાપોહ નથી, બધું અંદરખાને ગોઠવાઈ જવાની દિશામાં આગળ વધી રહ્યું હોવાનું જાણવા મળે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, કોઈ પણ ખાનગી શાળાએ કેટલી ફી વસૂલવી એ માટે FRC એટલે કે ફી નિયંત્રણ સમિતિ પણ છે. જો કે, આ સમિતિ છતાં શાળાઓના સંચાલકો ધાર્યું કરાવી લેતાં હોય છે. અને બીજો મુદ્દો એ છે કે, 2017ની સાલથી ફી ની લઘુતમ મર્યાદા યથાવત્ છે. તેમાં કશો ફેરફાર કરવામાં આવ્યો નથી. આથી શાળાઓના સંચાલકો ઈચ્છે છે કે, આ લઘુતમ મર્યાદા સરકાર વધારી આપે.
અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, હાલમાં વ્યવસ્થા એવી છે કે, જે શાળાઓ લઘુતમ મર્યાદા કરતાં વધુ ફી લેવા ચાહતી હોય તે શાળાએ FRC સમક્ષ ફી વધારાની દરખાસ્ત કરવાની હોય છે અને આ સમિતિ દરખાસ્તના અભ્યાસ બાદ જેતે શાળાને ફી વધારો મંજૂર કરી આપતી હોય છે, હાલમાં સંખ્યાબંધ શાળાઓ એવી છે જે ફી ની લઘુતમ મર્યાદા કરતાં વધુ ફી વાલીઓ પાસેથી વસૂલે છે પરંતુ તેઓએ દરખાસ્તની પળોજણ કરવી પડે છે. આથી જો સરકાર ફી ની લઘુતમ મર્યાદા વધારી આપે તો ફી વધારો વસૂલતી આવી શાળાઓ દરખાસ્તની બબાલમાંથી બચી શકે. અને જો આ લઘુતમ મર્યાદા વધી જશે (અને, વધશે જ) તો લગભગ તમામ ખાનગી શાળાઓમાં ફી નું ધોરણ વધશે.
હાલમાં સરકારનો શિક્ષણ વિભાગ શાળાઓ અને વાલીઓ પાસેથી આ માટે સૂચનો મેળવી રહ્યો છે. આ માટે એક સમિતિ પણ છે. આ સમિતિ સરકારને રિપોર્ટ આપશે ત્યારબાદ સરકાર ફી ની લઘુતમ મર્યાદા વધારવા અંગે નિર્ણય લેશે. આ બાબતે ખાનગી શાળાઓ સ્વાભાવિક રીતે જ, પોતાનું ધાર્યું કરાવવાની દિશામાં હાલ આગળ વધી રહી હશે જ, આથી હાલના તબક્કે વાલીઓએ પણ જાગૃત રહી સમિતિને યોગ્ય અને જરૂરી સૂચનો કરવા આવશ્યક છે, જો વાલીઓ આ દિશામાં ઉદાસીન અથવા બેદરકાર વલણ દાખવશે તો આગામી સમયમાં વાલીઓએ આકરો ફી વધારો સહન કરવો પડી શકે છે, એમ સૂત્ર જણાવે છે. વાલીઓ જાગૃતિ દેખાડશે ?! કે, સૌ હજૂ પણ વધુ લૂંટાતા રહેશે ?!