Mysamachar.in:જામનગર
જામનગર સહિત સમગ્ર રાજયમાં સાયબર ક્રાઈમ વધી રહ્યા છે. સંખ્યાબંધ લોકોને પોતાના મોબાઈલ મારફતે ઓડિયો અને વીડિયોકોલ મળતાં હોય છે અને ઘણાં બધાં લોકો આવા જાસામાં આવી નાણાં પણ ગુમાવતાં હોય છે. ઘણાં લોકો તો આવા વીડિયોકોલની જાળમાં ફસાઈ ગયા પછી, એક કરતાં વધુ વખત ચીટરોને ઈ-પેમેન્ટ કરતાં હોય છે અને ગભરાઈ જતાં હોય છે. સમાજમાં ઘણાં કિસ્સાઓમાં જાણવા કે સાંભળવા મળતું હોય છે કે, ફલાણો વીડિયોકોલની માયામાં ફસાયો છે. ડરી ગયો છે. તેને ચીટરો ધમકાવે છે. નાણાં પડાવે છે. ફલાણાએ સામાજિક પ્રતિષ્ઠા ખોવાના ડરે ચીટરને બેત્રણ વખત, આટલાં આટલાં હજાર રૂપિયા મોકલાવ્યા.
ધારો કે કોઈ અજાણ નંબર પરથી વીડિયોકોલ આવે છે અને તમે ભૂલથી અથવા કોઈ પ્રકારની રોમાંચક આતુરતાથી આ કોલ રિસિવ કરી લ્યો છો. સામાન્ય વાતચીત થાય છે. અને બાદમાં તમને બ્લેક મેઈલ કરવા માટે આ નંબર સાથે સંકળાયેલી ચીટર ગેંગ તમારાં મોર્ફ કરેલાં વીડિયો ફૂટેજ દેખાડીને તમને ધમકાવે છે. અને છતાં પણ ન તાબે થાવ તો, કોઈ બનાવટી પોલીસ અધિકારી સાથે વાત કરાવે છે. દબડાવે છે. બચવા માટેના સેટિંગની વાતમાં તમને પલોટે છે. વીડિયો વાયરલ કરવાની ધમકી આપે છે. અને દિવસો સુધી ચાલતાં આ ચક્કરમાં તમે આખરે નાણાં ગુમાવવાનું શરૂ કરો છો ! અને પછી, આ રીતે વારંવાર નાણાં ગુમાવો છો ! બદનામીના ડરે એક,બે કે ત્રણેક લાખ સુધીની રકમ ગુમાવ્યા બાદ તમે સહાનુભૂતિ અથવા મદદ કે માર્ગદર્શન મેળવવા આ આખી વાત તમારાં કોઈ અંગત પરિચિતને જણાવો છો- પરંતુ તો પણ FIR નોંધાવવાનું ટાળો છો ! યાદ રાખો કે, આવા કિસ્સાઓમાં બદનામીના ડરે FIR નોંધાવવાનું ટાળવું હિતાવહ નથી.
આ પ્રકારના કેસમાં કોઈ નંબર પરથી વારંવાર હેરાનગતિ થતી હોય તો પ્રારંભિક તબક્કે જ, વાતોમાં લપેટાયા વિના એ નંબરને બ્લોકલિસ્ટમાં એડ કરી, આ નંબર અથવા નંબરો અંગે નજીકના પોલીસ મથક અથવા સાયબર ક્રાઈમ સેલમાં FIR નોંધાવો. રાજયના ગૃહરાજ્યમંત્રીએ ખુદે નાગરિકોને આ અગાઉ કહેલું છે જ કે, આવા ચીટરોની ગેંગ સુધી પોલીસ પહોંચી શકે તે માટે લોકોએ FIR નોંધાવવી જોઈએ. શરમ અને ડર તથા સંકોચ ન રાખવા જોઈએ. અત્રે ઉલ્લેખનિય છે કે, છેલ્લાં કેટલાંક સમયથી જામનગર શહેર અને જિલ્લામાં પણ આ પ્રકારના શિકારી વીડિયોકોલનું પ્રમાણ વધવા પામ્યું છે જેમાં કેટલાંક લોકો ફસાઈ રહ્યા છે !