Mysamachar.in-ભાવનગર
ભાવનગર જિલ્લાના વરતેજના નવાગામે કાળજું કંપાવી દે તેવી ખુબ જ દુખદ ઘટના સામે આવી છે, જ્યાં એક પરિવારમાં સામૂહિક આપઘાતની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. વરતેજના નવાગામે રહેતા એક યુવકે પોતાના બે ફૂલ જેવા સંતાનો સાથે સામૂહિક આપઘાત કર્યો છે. કંપારી છોડવનાર સામૂહિક હત્યા પાછળનું નક્કર કારણ જાણવા મળ્યું નથી પરંતુ આપઘાત કરનાર યુવકની પત્ની રિસામણે ગઈ હોવાની ચર્ચા છે. ઘરકંકાસથી કંટાળીને આ વ્યક્તિએ પોતાના માસુમ બાળકો સાથે જિંદગી ટૂંકાવી લીધી છે. ઘટનાને પગલે સમગ્ર ભાવનગર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે.
નવાગામ ખાતે રહેતા અને મજૂરીકામ કરતા લાલાભાઇ નાગજીભાઇ ચોહાણ (ઉં.વ.30 )ને તેની પત્ની સાથે કેટલાક સમયથી ઘરકંકાસ ચાલતો હતો. પોતાની આર્થિક સ્થિતિ થોડી નબળી હોઈ વારંવાર પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા હતા. છેલ્લે થયેલા ઝઘડા બાદ પત્ની રિસાઈને તેના પિયરે ચાલી ગઈ હતી અને સમજાવ્યા છતાં પરત ન આવતાં લાલાભાઇને કામધંધાની જવાબદારી અને નાની દીકરી પ્રતિજ્ઞા (ઉં.વ.5 ) તથા પુત્ર માનવ (ઉં.વ.4 )ને સાચવવાની પણ જવાબદારી હતી, જેથી તેઓ કામ ધંધે જઇ શકતા ન હોય અને પત્ની રિસાઈ ગઈ હોઈ, જેનાથી તેઓ કંટાળી ગયા હતા.
પ્રથમ બન્ને બાળકોને ઘરના પતરાની છતમાં લાગેલા લોખંડના પાઇપ સાથે કપડાં બાંધી ગળે ટૂંપો દઈ બાદમાં પોતે પણ ફાંસો ખાઇ લેતાં ત્રણેયનાં મોત નીપજ્યાં હતાં પોલીસે ઘટનાસ્થળે જઈને બનાવની તપાસ હાથ ધરી છે. પોલીસને ઘરમાંથી ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહો મળી આવ્યા છે જેનું પોસ્ટમોર્ટમ કરાવી અને આગળની તપાસ હાથ ધરી છે.