Mysamachar.in-સુરતઃ
કહેવાય છે કે કળિયુગની શરૂઆત થઇ ચૂકી છે, આ વાતની પુષ્ટી કરતી ઘટના સુરતમાં બની છે, જેમાં બે જુવાનજોધ દિકરાઓ હોવા છતા એક પિતા રસ્તા પર આવી ગયા છે, વાત એવી છે કે એક સમયે ટેક્સટાઇલમાં તનતોડ મહેનત કરી વેપારીએ પોતાના સંતાનોને પગભર કર્યા હતા, પરંતુ વેપારીને વૃદ્ધાવસ્થામાં પુત્રોએ બરબાદ કરી નાખ્યા, એટલું જ નહીં બંને પુત્રો મહિને 70 હજારથી વધુનો પગાર મેળવે છે છતા તેઓ પિતાને સાચવી શકતાં નથી. 62 વર્ષના વેપારી અગાઉ ટેક્સટાઇલના ધંધામાં મહેનત કરી સમાજમાં આગવું સ્થાન મેળવ્યું હતું. પોતાના પુત્રોને આર્થિક રીતે સધ્ધર કરવા માટે ત્રણ ફ્લેટ મોર્ગેજ કરી લોન લીધી હતી. પરંતુ કળિયુગી પુત્રોએ પિતાના લોનના પૈસા પોતાના અંગત ખર્ચમાં વાપરી નાખ્યા, જેથી લોનના હપ્તા ન ભરાતા ત્રણેય ફ્લેટ સીલ કરવામાં આવ્યા, આથી અચાનક વૃદ્ધ પર આભ ફાટી પડ્યું અને રાતો રાત રસ્તા પર આવી ગયા. આ બાબતે પિતાએ ભરણપોષણ માટે કોર્ટમાં અરજી કરી હતી, જે કેસ ચાલી જતા કોર્ટે બંને પુત્રોને મહિને પાંચ-પાંચ હજાર ચૂકવવાના આદેશ આપ્યા છે.