Mysamachar.in-અમદાવાદઃ
ઉત્તરાયણના તહેવારને આડે હવે ગણતરીના કલાકો જ બાકી છે. ખાસ કરીને લોકો પતંગ ઉડાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. એવામાં અમદાવાદના એક પિતા-પુત્ર એવા પણ છે જેઓએ પતંગ ચગાવવાની તૈયારી કરવાને બદલે પક્ષીઓની રક્ષા કરવા માટે ડ્રોન બનાવવામાં ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. અમદાવાદના શાહપુરમાં રહેતા પિતા-પુત્રએ પક્ષીઓને પંતગના દોરાથી બચાવવા માટે એક ખાસ પ્રકારનું ડ્રોન બનાવ્યું છે. જે 500 ફૂટ ઊંચે સુધી દોરામાં ફસાયેલા પક્ષીઓને બચાવવાની ખાસીયત ધરાવે છે. આ ડ્રોનનું નામ હેક્ઝાકોપ્ટર હિટર ડ્રોન રાખવામાં આવ્યું છે.
ડ્રોન બનાવનાર મનોજ ભાવસાર પ્રોફેશનથી એર કન્ડીશનર એન્જિનિયર છે અને તેમનો પુત્ર કોમ્પ્યુટર એન્જિનિયર છે. મનોજનું કહેવું છે કે તેઓ 13 વર્ષથી આ ફિલ્ડમાં છે. પક્ષીઓ દોરીમાં ફસાઇ જવાની અનેક ફરિયાદો સાંભળી આથી પક્ષીઓને બચાવવાના અનુસંધાને વિચારીને આ ડ્રોન બનાવ્યું છે. ડ્રોનની અંદર હિટર સિસ્ટમ મુકવામાં આવી છે. એ હિટર સિસ્ટમના કારણે ડ્રોન પક્ષીથી 3 ફૂટ દૂર રહે છે અને પંતગની દોરીને કાપી નાખશે અને ડ્રોન નીચે આવી જશે. મનોજ ભાવસારે એક કિસ્સો જણાવતા કહ્યું હતું કે, વસ્ત્રાપુર તળાવની વચ્ચોવચ કેબલમાં પક્ષી ફસાયું હતું. જેને ઉતારવા માટે હાઇડ્રોલિક પણ કામ ન લાગી, એવા સમયે મેં આ ડ્રોનથી પક્ષી ઉતાર્યું હતું.
કેવું છે આ ડ્રોન ?
આ ડ્રોનમાં કોપરના સળિયાનું હીટર રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત 3 ફૂટના કોપર એન્ટેના બેસાડ્યા છે. 12 વોટનું ડીસી હીટર મૂક્યું છે. જ્યાં પક્ષી ફસાયું હોય ત્યાં ડ્રોન પહોંચી ત્રણ ફૂટ દૂરનું અંતર રાખી આ ડ્રોન હીટરની મદદથી ત્રણ સેકન્ડમાં દોરો કાપી નાખશે. પક્ષી દાઝી જાય નહીં તે હેતુથી હિટર માત્ર 3 સેકન્ડ સુધી ગરમ રહે તે રીતનું ટાઇમિંગ સેટ કરાયું છે. જો પક્ષીના પગમાં દોરી ફસાઈ હ શે તો દોરી કપાય કે તરત જ પક્ષી ઊડી શકશે. જો પાંખમાં દોરો ફસાયો હશે તો પક્ષી દોરી કપાયા પછી નીચે પડશે. આ સંજોગોમાં પક્ષીને ઈજા ન થાય તે હેતુથી 20 બાય 20ની નેટ તૈયાર હશે જે પક્ષીને ઝીલી લેશે.