Mysamachar.in-મહિસાગરઃ
મહીસાગરના બાલાશિનોર તાલુકાના રાજપુર ગામના ખેડૂત સુરેશ પટેલની સમગ્ર પંથકમાં ભારે ચર્ચા થઇ રહી છે. આ પાછળનું કારણ તેમણે પોતાના ખેતરમાં બી વગરના લીંબુની સફળ ખેતી કરી છે. સુરેશ પટેલનું કહેવું છે કે હું અગાઉ પરંપરાગત પદ્ધતિથી મકાઇ અને કપાસની ખેતી કરતો હતો. અપુરતા જ્ઞાન અને જંગલી પશુઓના ઉપદ્રવથી ઉત્પાદન અને આવક નહિવત મળતી. બાદમાં બાગાયત વિભાગ તરફથી બાગાયત પાકની સહાય મેળવી બી વગરના લીંબુની ખેતી શરૂ કરી. જેના ફળ સ્વરૂપે તેઓએ મોટા પ્રમાણમાં આવક મેળવી છે. તો સુરેશ પટેલે કરેલી ખેતી જોવા દૂર દૂરથી ખેડૂતો આવી રહ્યાં છે.
આ વર્ષે સાત હજાર કિલોગ્રામનું સિડલેસ લીંબુનું ઉત્પાદન મળવ્યુ છે, જે કિલોના સરેરાશ રૂપિયા ૪૦થી ૪૫ લેખે વેચાણ કરતાં અંદાજીત રૂપિયા ૩.૧૫ લાખની આવક થઇ છે. સૌથી મોટી ખાસિયત એ છે કે સિઝનમાં તેને વેચવા અમારે ક્યાય જવું પડતું નથી, વાડી બેઠા જ વેપારીઓ લઈ જાય છે. સુરેશ પટેલે વધુમાં જણાવ્યું કે આત્મા યોજનાની જાણકારી મળતા આધુનિક ખેતી બાબતે બાગાયતના અધિકારીઓ પાસેથી જાણકારી મેળવી હતી. ત્યારબાદ અધિકારીઓની ભલામણ મુજબની નર્સરીમાં સિડલેશ લીંબુના રોપા ખરીદી કરી ટપક પધ્ધતિથી પિયત આપી ખેતી કરી. આ છોડનું આયુષ્ય ૨૦ થી ૨૫ વર્ષનું હોવાથી પાકની ફેરબદલી કરવી પડતી નથી.