Mysamachar.in-અમદાવાદ
ફૂલગુલાબી ઠંડીની મોસમ એટલે શિયાળો…શિયાળો હવે રાજ્યમાંથી વિદાય લઈ રહ્યો હોવાથી રાજ્યના જુદા જુદા શહેરોમાં લોકો ગરમીનું પ્રમાણ વધી રહ્યાનો અહેસાસ કરી રહ્યા છે, તો જે પંખા અને એસી અત્યારસુધી બંધ હતા તે હવે ચાલુ થવા લાગ્યા છે, હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, ચાલુ વર્ષે માર્ચથી મે મહિના સુધીમાં દેશના ઘણાં રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે. જ્યારે મધ્ય અને દક્ષિણ ભારતમાં તાપમાન સામાન્યથી નીચે રહેવાની શક્યતા છે. ગુજરાતમાં ગરમીનો પારો 40 ડિગ્રી પહોંચે તેવી આગાહી પણ કરવામાં આવી છે.
આજે જામનગરનું મહત્તમ તાપમાન 32.5 ડિગ્રી નોંધાયું છે, તો લઘુતમ તાપમાન 19, ભેજનું પ્રમાણ 91%, અને પવનની ગતિ 4.1 રહી હોવાનું ડીઝાસ્ટર કંટ્રોલ રૂમ જણાવે છે. તો અમદાવાદ સહિત રાજ્યનાં વિવિધ શહેરોમાં બે દિવસ દરમિયાન ઠંડા પવનોને કારણે ગરમીથી રાહત રહેશે. આવતીકાલથી રાજ્યના મોટાભાગનાં શહેરોમાં ઉત્તરોત્તર ગરમીમાં વધારો થશે. તેમજ ચારથી પાંચ દિવસો સુધી ગરમીનો પારો 2થી 4 ડિગ્રી વધવાની શક્યતા છે. જેને કારણે ગરમીમાં વધારો થવાની શક્યતા છે.