Mysamachar.in:સુરેન્દ્રનગર
રાજકોટ-અમદાવાદ હાઈવે પર વધુ એક જીવલેણ અકસ્માતની ઘટના સામે આવી છે. ચોટીલા-સાયલા વચ્ચે વણકીના પાટિયા પાસે આજે એક કાર પર કોલસી ભરેલું ડમ્પર પડતાં કારમાં સવાર બે લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ક્રેઈનની મદદથી કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે રસ્તા પર ટ્રાફિકજામનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. પ્રાથમિક રીતે પ્રાપ્ત થયેલ વિગતો મુજબ આજે સવારના સમયે ચોટીલા અને સાયલા વચ્ચે આવેલા વણકી ગામના પાટિયા પાસેથી પસાર થઈ રહેલી એક કાર પર કોલસી ભરેલું ડમ્પર પલટી ખાઈને પડતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
કારમાં સવાર ચાર લોકોમાંથી બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. વધુમાં મળતી વિગતો મુજબ જામનગરનો એક પરિવાર નડિયાદમાં લગ્ન પ્રસંગે જઈ રહ્યો હતો. ત્યારે વણકી ગામના પાટિયા પાસે કાર પહોંચતાં ડમ્પર એના પર પલટી ખાઈને પડ્યું હતું. કારમાં સવાર બે લોકોનાં મોત નીપજ્યાં હતાં. હાઇવે પર સર્જાયેલા આ અકસ્માતના પગલે ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતાં. ચોટીલા પોલીસે ટ્રેલર ચાલક વિરુદ્ધ અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી ટ્રાફિક પુન: ચાલુ કરાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.