Mysamachar.in-અમદાવાદ:
દિવસે ને દિવસે નકલી પોલીસ અને નકલી અધિકારીઓ બની રોફ જમાવતા શખ્સોની સંખ્યા વધવા લાગી છે, આવો જ વધુ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે, પોલીસ હોવાની ઓળખ આપી પૈસા પડાવતા ચાર ઝડપાયા છે. જેમાં અસલી પોલીસને આરોપીઓએ રસ્તામાં રોકી ક્રાઇમ બ્રાન્ચમાં હોવાની ઓળખ આપી હતી. ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અનાર્મ લોકરક્ષક બ્રિજ પાસેથી પસાર થતો હતો, ત્યારે ચાર શખસોએ તેમને રોકીને ક્રાઈમ બ્રાન્ચ પોલીસ હોવાની ઓળખ આપીને લાયસન્સ, આર.સી.બુકની માંગણી કરતા હતા. જો કે આ ચારેય ડુપ્લિકેટ પોલીસ હોવાની શંકા જતાં સાગરદાને ખોખરા પોલીસ સ્ટેશનના એએસઆઈને ફોન કરીને જાણ કરી હતી.
પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીને ચારેયને પકડીને તેમની પાસેથી પોલીસના આઈકાર્ડ માંગ્યા હતા. જો કે તેમની પાસેથી આઈકાર્ડ મળી આવ્યા ન હતા. જેથી તેમની પુછપરછ કરતા તેઓ રસ્તે આવતા જતાં લોકોને રોકી પોલીસના નામે પૈસા પડાવતા હોવાનુ સામે આવ્યુ હતુ. જેથી ખોખરા પોલીસે આ ચારેયના વિરુદ્ધમાં ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. બાદમાં તેમની પુછપરછમાં તેઓ તેમના નામ સરફરાજ સૈયદ, કૃણાલ શાહ, જાફર રંગરેજ અને લીયાકતહુસેન શેખ હોવાનુ જણાવ્યુ હતુ. પોલીસે ચારેય પાસેથી બે બાઈક અને પાંચ મોબાઈલ ફોન જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.