Mysamachar.in-અમદાવાદ:
ગુજરાતમાં હમણાં પોલીસ સહિતના નકલી અધિકારીઓના આંટાફેરા વધી ગયા હોય તેમ એક બાદ એક કિસ્સાઓ આવા નકલી અધિકારીઓ ના ઝડપાઈ જવાના સામે આવી રહ્યા છે,ત્યારે અમદાવાદ ચાંદખેડા પોલીસે નકલી પોલીસ અધિકારી બની ફરતા એક યુવકની ધરપકડ કરી છે.આરોપી યુવક લોકોને નોકરી અપાવવાની લાલચ અને પેટ્રોલ પમ્પનું લાઇસન્સ અપાવવાનું કહી છેતરપીંડી આચરી રહ્યો હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવતા પોલીસ આ મામલે ઊંડાણમા જવાનો પ્રયાસ કરી રહી છે,
ઝડપાયેલ નકલી પોલીસ અધિકારી શુભમ ગોડ મૂળ કાનપુર, ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને હાલ ગાંધીનગરમાં રહેતો હતો.આ નકલી અધિકારીએ અમદાવાદના એક પેટ્રોલપંપ સંચાલકને પમ્પનું લાઇસન્સ અપાવવાની વાત કરી 25 લાખની માંગણી કરી હતી પરંતુ સંચાલકને શંકા જતા તેણે અસલી પોલીસને જાણ કરતાં અસલી પોલીસે સુવ્યસ્થિત ચોકઠું ગોઠવી નકલી અધિકારીને ઝડપી પાડ્યો છે,
પોલીસની પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આરોપી અત્યારસુધીમાં કેટલાક લોકોને છેતરી ચૂક્યો છે, અને તેમની પાસેથી લાખોની રકમ પણ પડાવી ચુક્યો છે,આ વ્યક્તિનો ભોગ બનેલા ફરિયાદી સામે આવી રહ્યાં છે. આરોપી પાસેથી ઉચ્ચ અધિકારીઓ રાખે તેવી એક સ્ટીક અને પાસિંગ પરેડમાં જે ગ્રુપ ફોટો હોય છે તેમાં તેણે એડિટિંગ કરી પોતાનો ફોટો ચોટાડ્યો હતો. લોકોને તે આ ફોટો બતાવતો હોવાની પણ કબુલાત આપી છે,
નવાઈ ત્યારે લાગશે કે તેને પોતાનો હાવ ભાવ એવો રાખ્યો હતો કે પોતે જ્યાં રહે છે તેની આસપાસના લોકો પણ તેને ઉચ્ચ પોલીસ અધિકારી સમજતા હતા.જયારે કોઈ પૂછે તો પોતે હાલ રાજા પર છે તેમ જણાવતો હતો.નકલી પોલીસ અધિકારીના કેટલા લોકો કઈ રીતે ભોગ બન્યા છે,તેના પર હવે પોલીસ તપાસ કેન્દ્રિત કરી અને વધુ તપાસ ચલાવી રહી છે.